Mysamachar.in-ખેડાઃ
ખેડા તાલુકાના સાંખેજ ગામના એક ખેડૂતની હાલ ભારે ચર્ચા થઇ રહી છે. દૂર દૂરથી ખેડૂતમિત્રો સાંખેજ આવી રહ્યાં છે, આ પાછળનું કારણ છે અહીં શિવમ પટેલ નામના ખેડૂતે પોતાના ખેતરમાં કાળા ચોખા ઉગાડ્યા છે. છેલ્લા કેટલાક સમયથી દેશમાં કાળા ચોખાનું ચલણ વધ્યું છે જેને ધ્યાને રાખી શિવમે પણ આ નુસખો અપનાવ્યો અને સફળ પણ થયા છે. કાળા ચોખાના અનેક ફાયદાઓ રહેલા છે જેમાં એક તો તેનાથી મબલખ કમાણી થાય છે તો બીજું આરોગ્યની દ્રષ્ટીએ વધુ ફાયદાકારક હોવાથી તેની માગ વધુ છે.
ખેતી એક એવો ધંધો છે જેમાં સાહસ વિના સિદ્ધિ નથી મળતી. આ કહેવતને અનુસરીને સાંખેજ ગામના રહેવાસી શિવમ પટેલ કે જેઓ મિકેનિકલ એન્જિનિયર છે, તેમણે પોતાના ખેતરમાં કાળા ચોખા વાવ્યા હતા, જે હાલ ઉગી નીકળ્યા છે. કાળા ચોખામાં શક્તિશાળી એન્ટિઑક્સીડેન્ટ, એન્થોકાયનીન વધારે પડતું હોવાને કારણે તે વધુ કાળા રંગના હોય છે. બ્લેક રાઈસમાં અખરોટનો સ્વાદ, કરામાતી સુગંધ, અને ખુબ જ પોષ્ટીક હોય છે, જેના કારણે હાર્ટ અટેક, મોટાપા, ડાયબીટીસ, કેંસર, હૃદય રોગના જોખમને ઓછુ કરે છે. કાળા ચોખામાં પ્રોટીનનું પ્રમાણ 8.5 , લોહતત્વ 3.5, ફાઈબર 4.9 અને બીજા તમામ ચોખાઓ કરતા એન્ટીઓક્સિડેન્ટની વિપુલ માત્રામાં મળી આવે છે. શિવમે પ્રથમવાર કરેલી કાળા ચોખાની ખેતીનો પાક તૈયાર થઇ ગયો છે, હવે તે ટૂંક સમયમાં વેચાણ અર્થે મૂકશે. તો કાળા ચોખાની ખેતીની વાત સાંભળતા જ આસપાસના ગામના ખેડૂતો ખેતી જોવા આવી રહ્યાં છે. એક તરફ કમોસમી વરસાદને કારણે મગફળી, કપાસ જેવા રેગ્યુલર પાકને વ્યાપક નુકસાન થવાનો ભય છે, ત્યારે અલગ પ્રકારની ખેતી કરવાથી ખેડૂતો સારી એવી કમાણી કરી શકે છે.