Mysamachar.in-અરવલ્લી:
નકલી તમાકુ, નકલી ઘી, નકલી દવાઓ અને નકલી સરકારી અધિકારીઓ અથવા નકલી પોલીસ- બધું જ ભૂલી જાવ, હવે ગુજરાતના લોકો માટે એક વધુ અસલી ખબર પેશ છે કે, આખેઆખી સરકારી કચેરી પણ નકલી હોય શકે છે, નકલી છે ! એવું જાહેર થઈ ગયું ! જેને પરિણામે લોકો સોશિયલ મીડિયામાં ગજબનાક કોમેન્ટ્સ કરી રહ્યા છે ! ચાલો બોડેલી. બોડેલી ગામ નાનું પણ ત્યાંથી મોટાં સમાચાર રિલીઝ થયા. એક સરકારી કચેરી ખુદ આખેઆખી નકલી છે અને તેઓએ રોકડી પણ કરી લીધી, એવું જાહેર થયું !! તમે ભરોસો કોના પર કરશો ??!
આ સરકારી કચેરી માત્ર કાગળ પર ચાલતી હતી. સરકારી કચેરીમાં અને સરકારમાં તમારે કોઈ પણ કામ કરાવવું હોય અથવા કોઈ સરકારી કચેરીએ કોઈ કામ સરકારમાં મંજૂર કરાવવું હોય તો, સતર કોઠા પસાર કરાવવા પડે અને આ મામલામાં ભેજાબાજોએ નકલી સરકારી કચેરી મારફતે અસલમાં એકસાથે 93 કામો મંજૂર કરાવી લીધાં અને તે કામોના રૂપિયા 4.15 કરોડ પોકેટમાં પણ સેરવી લીધાં ! સરકારી કચેરીઓ આ રીતે પેમેન્ટ પણ આપી દે !! એ કેવડું અચરજ ?!
ગુજરાતમાં બનાવટી ડેપ્યુટી કલેક્ટર પકડાયા, કાશ્મીરમાં વડાપ્રધાન કાર્યાલયનો બનાવટી ઓફિસર પકડાયો. એ બધાં સમાચાર જૂના થઈ ગયા ! હવે કૌભાંડના પ્રકારમાં પણ વિકાસ ?! આખેઆખી સરકારી કચેરી બનાવટી ! છોટાઉદેપુર જિલ્લાના નાના એવા બોડેલી ગામમાં ભેજાબાજોએ મોટો ખેલ પાડી દીધો ! સિંચાઈ પ્રોજેક્ટ ડિવિઝનના કાર્યપાલક ઇજનેરની આખી કચેરી બનાવટી બનાવી ! અને ધડાધડ 93 કામોની દરખાસ્ત મંજૂર. કામોના નાણાં પણ ચૂકવાઈ ગયા. વડોદરાના બે ભેજાબાજો પકડાઈ ગયા બાદ જાહેર થયું કે, બે વરસથી આ કૌભાંડ ધમધમતું હતું !
કાર્યપાલક ઇજનેરના નામની ઓળખ ખોટી, સહી ખોટી, કચેરીના સિક્કા ખોટા, કામોની દરખાસ્તો ખોટી- કામો મંજૂર. સરકારની તિજોરીમાંથી રૂ. 4,15, 54,915 પોકેટમાં નાંખી લીધાં ! ત્યાં સુધી બધાં જવાબદારો ઉંઘતા રહ્યા ?! કે સાથે હતાં ?! તપાસ થશે ?! સામાન્ય રીતે આવી કચેરીઓમાં વિકાસના કોઈ પણ કામ થતાં હોય ત્યારે, અધિક મદદનીશ ઈજનેર, કાર્યપાલક ઇજનેર તથા થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન વગેરેની દેખરેખ હેઠળ કામો થતાં હોય, પછી પુષ્કળ ટેબલે આ ફાઈલો જાય, કામોના બિલોની ચકાસણીઓ થાય, પછી જિલ્લા તિજોરી કચેરી મારફત ચૂકવણું થાય. આ બધી જ પ્રક્રિયાઓ આ 93 કામોમાં કોણે, કેવી રીતે કરી ?! કોઈને શંકાઓ શા માટે ન થઈ ?! બિલોના ચૂકવણાઓ કોણે, કેવી રીતે કર્યા ?! વગેરે તપાસના વિષયો છે.
આટલાં મોટાં ચૂકવણાં માટે સિક્કા, બેંક ખાતું વગેરે જોઈએ, આ બધી પ્રોસેસ કેવી રીતે થઈ ગઈ ?! આ આખું ચક્કર બોર્ડર વિલેજ યોજના હેઠળ ફેરવવામાં આવ્યું. બે શખ્સની ધરપકડ બાદ તેમને 12 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. ચૂકવણાંઓને લીલી ઝંડી આપનારાઓ હવે સપડાશે.