Mysamachar.in-અરવલ્લીઃ
અત્યારસુધી તો તમે એક બે વ્યક્તિઓને લૂંટી લેવાયાની ઘટના વિશે સાંભળ્યું હશે પરંતુ આ વખતે લૂંટારૂઓએ આખે આખી લક્ઝરી બસ રોકી તેમાં લૂંટ ચલાવી લીધી. એટલું જ નહીં બસમાં સવાર મુસાફરો સાથે માકઝૂડ કરી હતી, જેમાં ત્રણ જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. બસમાં સવાર લોકોનું કહેવું છે કે અંદાજે 10થી 15 લોકોની ગેંગ હતી. બનાવની વિગત પ્રમાણે ગાંધીનગરના 56 મુસાફરો ભરેલી બસ રાજસ્થાનમાં યોજાયેલા પુષ્કર મેળામાંથી પરત ફરી રહી હતી. આ દરમિયાન મોડાસાના વોટડા ટોલટેક્સ પાસે અચાનક 10થી 15 જેટલા લૂંટારૂઓએ બસ રોકાવી તેમાં સવાર મુસાફરો સાથે મારપીટ શરૂ કરી સામાન અને રૂપિયા પડાવી લીધા. અંદાજે બે લાખ રૂપિયાની લૂંટ બાદ લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટનામાં ત્રણ મુસાફરોને ગંભીર ઇજા પહોંચી હતી, જેઓ ગાંધીનગર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાદમાં મુસાફરોની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ઘટનાબાદ કેટલાક લોકોનું કહેવું છે કે જાણ કર્યા બાદ પણ પોલીસ કાફલો બે કલાક પછી ઘટનાસ્થળે પહોંચ્યો હતો. એક તરફ કાયદોવ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નાર્થ કરતી ઘટના બનતા સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જાગી છે. તો આખે આખી બસમાં ખુલ્લેઆમ લૂંટથી પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યાં છે.