Mysamachar.in-નવસારીઃ
જામનગર સહિત રાજ્યભરમાં ભ્રષ્ટાચારને રોકવા માટે સરકારી કામગીરી ઓનલાઇન કરવાના પ્રયાસો થઇ રહ્યા છે, જો કે ઓનલાઇન થાય એ પહેલા જ કેટલાક કર્મચારીઓ લાભ લઇ લેવાના મૂળમાં છે. આવા જ એક લાંચીયા સર્કલ ઓફિસરને ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો છે. નવસારી જિલ્લાના જલાલપોરના અબ્રામા ખાતે આવેલી જમીનની ખરીદી કરનાર વ્યક્તિ પાસે દસ્તાવેજની નોંધ પ્રમાણિત કરવા સર્કલ ઓફિસર વનરાજસિંહ સરદારસિંહ સોલંકી અને કોમ્પ્યુટર ઓપરેટરે 35 હજાર રૂપિયાની માગણી કરી હતી. ત્યારબાદ 13 નવેમ્બરે કોમ્પ્યુટર ઓપરેટરે લાંચના 10 હજાર રૂપિયા પણ સ્વીકાર્યા હતા. બાકીના 25 હજાર 14 નવેમ્બરે આપવાની વાત કરી હતી, જો કે જાગૃત નાગરિકે સુરત એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી, ત્યારબાદ એસીબીએ છટકું ગોઠવી સર્કલ ઓફિસર પર વોચ રાખી તો સર્કલ ઓફિસર ફરિયાદી પાસેથી લાંચની 25 હજાર રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઇ ગયો. એસીબીએ સર્કલ ઓફિસર અને કોમ્પ્યુટર ઓપરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.






