Mysamachar.in-નર્મદાઃ
હાલમાં જ ગુજરાતના ગૌરવ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપનાને એક વર્ષ પૂર્ણ થયું. રાજ્ય સરકાર દ્વારા ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં વડાપ્રધાન પણ સામેલ થયા હતા. આ સિવાય દિવાળીના તહેવારને લઇને પણ અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત લઇ રજાની મજા માણી. જો કે આ તમામ વચ્ચે ગુજરાતીઓને ગૌરવની લાગણી અનુભવ કરાવે તેવી માહિતી સામે આવી છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટમાં બહાર આવ્યું કે તાજ મહાલ સહિત દેશના ટોચના પાંચ ઐતિહાસિક સ્થળ કરતાં પણ વધુ આવક સ્ટેચ્યુ ઓફ યુનિટીને થઇ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ 2018-19માં રૂપિયા 63.69 કરોડની આવક થઈ છે, માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ 7 કરોડની આવક થઇ હતી. એટલું જ નહીં એક વર્ષમાં 24 લાખથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. રિપોર્ટ પ્રમાણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી દેશમાં સૌથી વધુ આવક મેળવનાર સ્મારક બની ગયું છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા 2017-18ના આકંડા મુજબ ભારતના 5 મુખ્ય સ્મારકમાં સૌથી વધુ તાજ મહેલની વાર્ષિક આવક 56.83 કરોડ હતી, જે દરમિયાન 64.58 લાખ લોકોએ તાજ મહેલની મુલાકાત લીધી હતી. ત્યારબાદ બીજા ક્રમાંકે આગરા ફોર્ટની વાર્ષિક આવક 30.55 કરોડ, ત્રીજા ક્રમાંકે કુતબ મિનારની વાર્ષિક આવક 23.46 કરોડ, ચોથા ક્રમાંકે ફતેહપુર શિક્રીની વાર્ષિક આવક 19.04 કરોડ અને પાંચમાં ક્રમાંકે રેડ ફોર્ટની વાર્ષિક આવક 16.17 કરોડ થઈ હતી. ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થતા એટલે કે 31 ઓક્ટોબર 2018થી 31 ઓક્ટોબર 2019 દરમિયાન 24.45 લાખ લોકોએ સ્ટેચ્યૂની મુલાકાત લીધી છે, આ મુજબ સ્ટેચ્યૂને 63.69 કરોડની વાર્ષિક આવક થઈ છે.