Mysamachar.in-મહેસાણા:
રાજ્યના લગભગ તમામ શહેરો અને તાલુકાઓમાં રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ અનહદ છે અને તેની સામે નક્કર કાર્યવાહીને નામે મીંડું છે, વિધાનસભામાં રસ્તે રઝળતા ઢોર મુદ્દે પ્રસ્તાવ લાવ્યા બાદ સરકાર પાણીમાં બેસી જતા રસ્તેથી પસાર થતા લોકો અને વાહનચાલકોને આ પશુઓના રોષનો ભોગ બનવાનો વારો આવી રહ્યો છે, ત્યારે આજે ખુદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આવી જ એક ગાયનો શિકાર બનતા 20 દિવસનો ખાટલો ભોગવવાનો વારો આવ્યો છે.
વાત એવી છે કે આજે મહેસાણાના કડીમાં તિરંગા યાત્રા દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત કાર્યકરો અને આગેવાનો તિરંગા સાથે યાત્રામાં જોડાયા હતા, ત્યારે અચાનક દોડતી આવેલી એક ગાય ભીડમાં ઘૂસી ગઈ, ગાયે નીતિન પટેલ સહિત કેટલાક લોકોને અડફેટે લીધા. ગાયની ટક્કર વાગતા નીતિન પટેલ રસ્તા પર પટકાયા જેથી તેમને ઢીંચણના ભાગે ઈજા પહોંચી ઘૂંટણના ભાગે ઈજા થતા નીતિન પટેલને તુરંત કડીની એક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા, જ્યાં સારવાર લીધા બાદ તેઓ પોતાના નિવાસ સ્થાને જવા રવાના થયા હતા. ઈજાને કારણે તેમને ચાલવામાં તકલીફ પડી રહી છે, જેને જોતાં તબીબીઓ તેમને થોડા સમય સુધી આરામ કરવાની સલાહ આપી છે.
ઘટના બાદ ઈજાગ્રસ્ત નીતિન પટેલે મીડીયા સાથેની વાતચીતમાં કહ્યું કે આજે કડીમાં ભાજપની તિરંગાયાત્રા હતી. શહેરના 70 ટકા વિસ્તારમાં રેલી ફરી હતી. ત્યાં અચાનક ગાય દોડતી આવી હતી અને ટોળામાં ઘુસી ગઈ હતી. દોડાદોડમાં ઘસારો મારા પર આવ્યો અને હું નીચે પડી ગયો. મારા સિવાય પણ ચાર પાંચ લોકો પર પટકાયા હતા. જોકે તરત જ આજુબાજુના કાર્યકરોએ અને પોલીસે મને ઘેરી લીધો અને ગાયને બાજુમાં કરી હતી. તે સમયે ઉભા થવામાં મને તકલીફ લાગતી હતી. તેથી હું તાત્કાલિક હોસ્પિટલ ગયો હતો. હોસ્પિટલમાં પગનો એક્સ રે કરાવ્યો તેમાં ઢીંચણના ક્રેક દેખાઈ છે. સિટી સ્કેન કરાવતા ડોક્ટરે 20 દિવસનો આરામ કરવા સૂચવ્યું છે.
તો રાજ્યમાં રખડતા ઢોરોની સમસ્યા વિશે નીતિન પટેલે કહ્યું કે, રાજ્યમાં રખડતા ઢોરનો પ્રશ્ન ચિંતિત છે, આજની યાત્રામાં ગાય ક્યાંથી આવી તે ખ્યાલ નથી. હાલના તબક્કે ગૌચરનો અને રખડતા ઢોરનો પ્રશ્ન ઉચિત નથી. આવા બનાવો બનતા રહેતા હોય છે. પણ આવા બનાવો સ્વાભાવિક ઘટના છે. લાખો પશુઘનમાંથી કઈ ગાય ક્યાં ભટકાય એ નક્કી નહિ. શહેર-ગામ કે રસ્તા પર શું બને એ નક્કી ન હોય. પશુધનને નિયંત્રણમાં રાખવું શક્ય નથી. રખડતાં ઢોરને નિયંત્રણમાં રાખવા જરૂરી છે.