Mysamachar.in-મહેસાણા:
રાજ્યમાં દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં સતત ને સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ગતરાત્રીના વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી જેમાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો છે.વાત મહેસાણાના જીલ્લાની છે જ્યાં વીસનગર તાલુકામાં ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં બાઈક પર સવાર એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતક પરિવાર મૂળ દાહોદ જિલ્લાનો રહેવાસી હોવાનું અને મહેસાણાના વાલમ ગામે મજૂરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના પગલે રસ્તા પર લોકોના ટોળા એકઠા થતા ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે અકસ્માત મામલે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.જે ત્રણ વ્યકિતના મોત નિપજ્યા છે તેમાં સવાભાઈ પારઘી, તેના પત્ની લાલીબેન પારઘી અને પુત્ર રાજેશ પારઘીનો સમાવેશ થાય છે. ત્રણેય લોકો વિસનગરથી વાલમ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે.શ્રમજીવી પરિવારના એક સાથે ત્રણ લોકોના મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.