Mysamachar.in-મહેસાણા:
રાજ્યમાં દિવસે-દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને નેશનલ કે એક્સપ્રેસ હાઈવે પર જીવલેણ અકસ્માત વધ્યા છે. મહેસાણા-અમદાવાદ હાઈવે પર નંદાસણ નજીક એક ટ્રક ઝાડ સાથે અથડાયો અને સામેથી આવતી કારને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. કાર ચાલક, તેની પત્ની તેમજ પુત્રને ગંભીર ઈજા થવા પામી છે. આ મામલે નંદાસણ પોલીસ સ્ટેશને ટ્રક ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મહેસાણા પાસે આવેલા વિસનગર કાંસા રોડ પર અરવિંદનગર સોસાયટીમાં રહેતા અરૂણભાઈ તેમના પત્ની દક્ષાબેન તથા દીકરો જીલ રવિવારે પોતાના શ્વાનને રસી અપાવવા માટે જતા હતા. નંદાસણથી આગળ નીકળ્યા બાદ ઉમિયા ટિમ્બર પાસે અમદાવાદ બાજુથી આવેલી રહેલો ટ્રક ઝાડ સાથે ટકરાઈને બીજા ટ્રેક પર પટકાયો. જ્યાં સામેથી આવી રહેલી અરૂણભાઈની કાર જીજે 02 એસી 9992 સાથે અથડાયો. ટક્કર એટલી ભયંકર હતી કે, કારનો કુડચો બોલી ગયો હતો. ડ્રાઈવર સીટ સુધી કાચથી લઈને બોનેટ સુધી બધુ પડીકું વળી ગયું હતું. આ અકસ્માતમાં પત્નીને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે દીકરા જીલને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે અરૂણભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ કેસમાં મૃતકના ભાઈ સંજયભાઈએ ટ્રક સામે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવી છે.