Mysamachar.in-મહેસાણાઃ
રાજ્યમાં વધી રહેલી લૂંટની ઘટનામાં વધારો કરતી વધુ એક ઘટના નોંધાઇ છે. મહેસાણામાં મહિલા એક સામાજિક પ્રસંગમાં હાજરી આપ્યા બાદ પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે રસ્તામાં તેને બે શખ્સોએ આંતરી વાતોમાં ફોસલાવી હિપ્નોટાઇઝ કરી લૂંટ ચલાવી હતી. બંને શખ્સોએ મહિલા પાસેથી તમામ દાગીના લૂંટી લીધા અને બદલામાં એક રૂમાલનું પોટલું સોંપ્યું જે ઘરે આવીને મહિલાએ ચેક કરતાં તે ચોંકી ઉઠી હતી.સમગ્ર બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર રહેતી બહેનના ઘરે સામાજિક પ્રસંગમાંથી પરત ફરેતા ભાવનાબેન નિલેશભાઇ ઠાકરને 14 વર્ષના કિશોરે પાલનપુર જવાનો રસ્તો પૂછી ઊભાં રાખ્યાં હતાં અને 5 મહિનાથી શેઠે પગાર ન આપતાં ચાલતો જઇ રહ્યો હોવાનું કહી રડવા લાગ્યો હતો. આથી કિશોર પર દયા ખાઇ ભાવનાબેને તેને ભાડાના રૂપિયા 200 આપ્યા હતા. આ દરમિયાન અચાનક જ અન્ય શખ્સ આવ્યો અને કહેવા લાગ્યો કે આ કિશોર શેઠને ત્યાં ચોરી કરી ફરાર થયો છે આથી તેને પોલીસને સોંપવાનો છે. આવી વાતો કરી રહ્યાં હતા એ દરમિયાન ભાવનાબેન અચાનક બેશુદ્ધ થઇ ગયા. બંને શખ્સો ભાવનાબેનને સુમસામ સ્થળે લઇ ગયા. જ્યાં બંને શખ્સોના કહ્યાં પ્રમાણે ભાવનાબેને પોતે પહેરેલી સોનાની 32 ગ્રામની બંગડી, 17 ગ્રામનું ડોકિયું, 8 અને 4 ગ્રામની 2 વીંટી ઉતારીને આપી દીધી હતી. અને પોતે હાથમાં એક પોટલું લઇને ઘરે પહોંચી ગયા. અંદાજે 40 મિનિટ બાદ ભાવનાબેન હોશમાં આવ્યા તો તેઓ એકદમ હતપ્રત રહી ગયા, કારણ કે તેમણે પહેરેલા તમામ દાગીના ગાયબ હતા, જ્યારે તેમના હાથમાં એક રૂમાલનું પોટલું હતું જે ખોલીની જોતા તેમાં પથ્થર અને પિત્તળની બે બંગળી હતી. ભાવનાબેને સમગ્ર હકીકત પોલીસને જણાવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.