Mysamachar.in-મહેસાણાઃ
મહેસાણામાં તસ્કરોના માઠા નસીબને કારણે ATMમાં રાખેલા 15 લાખ રુપિયા સહી સલામત રહી ગયા. મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલા શંકુઝ વોટરપાર્ક નજીક આવેલી એચડીએફસી બેંકના એટીએમએમને બુધવારે રાત્રે નિશાન બનાવાતાં દોડધામ મચી ગઈ હતી. તસ્કરોએ એટીએમના આગળના ભાગને તોડી કેશ ભરેલું બોક્સ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બોક્સ મોટુ અને એટીએમનો દરવાજો સાંકડો હોવાથી બહાર કાઢી શક્યા ન હતા. જેથી એટીએમની અંદર રાખેલા 15 લાખ રૂપિયાની રકમ ચોરાતાં બચી ગઈ હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલા શંકુઝ વોટરપાર્ક પાસે આવેલી એચડીએફસી બેંકના એટીએમ રૂમના શટરનું તાળુ તોડી અંદર ઘૂસેલા તસ્કરોએ એટીએમનો આગળનો ભાગ ખોલી નાખ્યો હતો. પરંતુ મશીન મોટું અને દરવાજો સાંકડો હોવાથી અંદર મુકેલી રોકડ રૂપિયા 10થી 15 લાખ ભરેલું કેસેટ કાઢવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. વહેલી સવારે ચોરીના પ્રયાસની જાણ થતા પીએસઆઇ વાળા ઘટના સ્થળે પહોચ્યા હતા. જ્યાં તસ્કરોએ સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હોવાનું અને અહી એલાર્મ અને સિક્યુરીટીની કોઇ વ્યવસ્થા ન હોવાનું ખુલ્યું હતુ. ચોરીમાં રકમ ગયેલી ન હોવાને કારણે બેંક દ્વારા ફરિયાદ આપવાનું ટાળ્યું હતું પરંતુ અહીં પેટ્રોલીગ અને વોચ રાખવા સંબધે પોલીસમાં અરજી આપી હતી.