Mysamachar.in-વલસાડ
રાજ્યના હાઈવે પર પુરપાટ ઝડપે દોડતા વાહનો પર જાણે કોઈ નિયંત્રણ જ ના હોય દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધવા લાગી છે અને કેટલાય નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે, આવી જ વધુ એક અકસ્માતની દુખદ ઘટના વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા ગુંદલાવ ઓવર બ્રીજ પર બની છે, જેમાં ફઈબાના બેસણામાં હાજરી આપી ઘરે પરત ફરી રહેલા એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતાં સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકની ટક્કરથી કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટનામાં કારમાં સવાર સાત લોકોમાંથી ત્રણ લોકોના ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા, જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક વિગત મુજબ અકસ્માતના ભોગ બનેલા તમામ લોકો એક જ પરિવારના હતા. અંકલેશ્વરના અલ્તાફ ભાઈ અને તેમનો પરિવાર અંકલેશ્વરથી દમણ ફઈબાની શોકસભામાં પરિવારને સાંત્વના આપવા આવ્યો હતો, શોક સભા પૂરી કરી અંકલેશ્વર પરત ફરી રહ્યા હતા, એ વખતે જ વલસાડના ગુંદલાવ નજીક કાળમુખી ટ્રકે કારને ટક્કર મારતા કારમાં સવાર આ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે 4ને ઈજા થઈ હતી. જેઓને તાત્કાલિક સારવાર માટે વલસાડની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, મૃતકોમાં બે બાળકીઓ અને માતાનો સમાવેશ થાય છે. આમ એક જ પરિવારના ત્રણ લોકોના અકસ્માતમાં મોતને કારણે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.