Mysamachar.in-વલસાડ
રાજ્યમાં દારૂબંધી વચ્ચે આમ તો રોજ કેટલોય દારૂ પ્યાસીઓ ગટગટાવી જાય છે, એવામાં વાર તહેવારો તો બુટલેગરોનો ભાવ ડબલ થઇ જાય છે, એવામાં 31 ડિસેમ્બર નજીક આવી રહી છે, ત્યારે દારૂ ઘૂસાડવાના અને ઝડપાવાના બનાવો વધી રહ્યા છે. બુટલેગરો અવનવી તરકીબો અજમાવીને વિદેશી દારૂની હેરાફેરી કરી તગડા ભાવ વસુલી રહ્યા છે, આ દરમિયાન દારૂની હેરાફેરીનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને પોલીસને પણ એક વખત વિચારતા કરી દીધા છે,
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પોનીયા ગામ નજીકથી વલસાડ એલસીબીએ દારૂની હેરાફેરી કરતા ચાર બાઇકને ઝડપી પાડ્યા છે. આ શાતીર દિમાગ શખ્સોએ બાઈકમાં ચોર ખાનામાં વિદેશી દારૂની બોટલો છૂપાવી અને હેરાફેરી કરતા હતા, પોલીસે વિદેશી દારૂની હેરાફેરીમાં ચાર બાઈકો જપ્ત કરીને આરોપીઓને શોધવા તપાસ તેજ કરી છે. આ કિસ્સામાં વલસાડ જિલ્લા એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે વલસાડ એલસીબીની ટીમ પારડી તાલુકાના પોનિયા ગામ નજીક પેટ્રોલિંગ કરી રહી હતી. આ સમયે ત્યાંથી પૂર ઝડપે પસાર થતાં ચાર બાઇકનો પીછો પોલીસે કર્યો હતો. પોલીસે બાઇક સવારોને બાઈક રોકવા માટે ઇશારો કર્યો હતો. જોકે, બાઈક સવારો પોલીસની ટીમને ઓળખી જતા બાઇક પૂર ઝડપે હંકારી મૂકી હતી.
એલસીબીની ટીમે બાઈક સવારોનો પીછો કરી રહી હતી એ વખતે મોકાનો લાભ લઈને ચારેય બાઈક સવાર બાઇક મૂકીને ફરાર થઈ ગયા હતા. એલસીબીની ટીમે બાઇકથી તપાસ કરતા બાઈકમાં પેટ્રોલની ટાંકી અને સીટની નીચે બનાવવામાં આવેલા ચોર ખાનાઓમાં વિદેશી દારૂનો બોટલો ભરેલી હતી. પોલીસે ચારેય બાઈક પારડી પોલીસ સ્ટેશન લાવી હતી અને ચોરખાનામાં છૂપાવેલો 17, 400 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂની હેરાફેરીમાં ઝડપાયેલા ચાર બાઇક અને વિદેશી દારૂનો જથ્થો મળી અંદાજે 1.37 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી બાઇક મૂકીને ફરાર થયેલા ચાલક ખેપીયા એવા રામુ નાનુ, હિતેશ સુરતી, નરેન્દ્ર પટેલ અને અનિલ પટેલને વૉન્ટેડ જાહેર કર્યા છે.
એલસીબીની ટીમે વધુ તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો દમણના પાતળીયા અને ભીમપોર વિસ્તારમાં આવેલા જુદા જુદા પાંચ વાઈન શૉપમાંથી ભરવામાં આવ્યો હતો. વલસાડ એલસીબી પોલીસે દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દમણમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા ચાર ખેપિયા અને દમણમાંથી વિદેશી દારૂ ભરાવનાર પાંચ વાઇન શોપ સંચાલકોને વૉન્ટેડ જાહેર કરતા બુટલેગરો અને દમણના વાઇન શોપ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.