Mysamachar.in-વલસાડ
રાજ્યમાં પુરપાટ ઝડપે ચાલતા વાહનો અકસ્માત નોતરી રહ્યા છે, ત્યારે આજે વહેલી સવારે વલસાડ નજીક નંદાવલા હાઇવે પર અમદાવાદથી બેંગ્લોર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે અકસ્માતની એક ઘટના સામે આવી જેમાં 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જે પૈકી ટ્રક અને બસના ડ્રાઈવરની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વહેલી સવારે અમદાવાદથી બીઆર સર્વિસ નામની ખાનગી ટ્રાવેલ્સની બસ બેંગ્લોર તરફ જઈ રહી હતી. દરમિયાન વલસાડ નજીક નંદાવલા હાઇવે પર ગુંદલાવ ચોકડીથી પસાર થતા સમયે મુંબઈ તરફથી આવેલી રહેલા આઈસર ટ્રક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો. જોકે, ટ્રકના ડ્રાઈવરને અચાનક ઝોકું આવી જતા ટ્રક ડિવાઈડર કૂદાવી રોંગ સાઈડમાં ઘૂસી સામેથી આવતી ખાનગી બસમાં અથડાયો હતો. જેના પગલે બસ અને ટ્રકમાં સવાર 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં બસ અને ટ્રકના ડ્રાઈવરની હાલત ગંભીર છે.
અકસ્માતની જાણ થતા આસપાસના ગામના સ્થાનિક લોકો અને પોલીસ દોડી આવી હતી. ટ્રક અને બસમાં ફસાયેલા બંને ડ્રાઈવરને બહાર કાઢ્યા હતા, જે બાદ 108ની મદદથી તમામ ઈજાગ્રસ્તોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અકસ્માત એટલો ધકાડાભેર થયો હતો કે, ટ્રક અને બસનો આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે ટ્રક અકસ્માત બાદ પલટી મારી ગયો હતો.