Mysamachar.in-વલસાડ
સમય સમય બળવાન હોય છે, માણસનો સમય બળવાન તો કાઈ ના ઘટે…પણ સમય જો ખરાબ આવે તો સમયની મજબૂરી બધું જ કરાવે…આ વાત એટલા માટે કે સમયની મજબુરીનો ભોગ બનેલ એક દંપતી ના છૂટકે દારૂની હેરાફેરી તરફ વળ્યાનો કિસ્સો સામે આવ્યો છે, રાજ્યમા લોકડાઉનના કારણે જે સ્થિતીનું નિર્માણ થયું છે તેના કારણે ભલભલાના ધંધા અને વ્યવસાય ભાંગી પડ્યા છે. જેથી કરીને અનેક લોકો ખોટા ના કરવાના ધંધા કરવા માટે મજબુર બનવું પડે તેવી સ્થિતિ કેટલાય કિસ્સાઓમાં સામે આવે છે,
સંઘપ્રદેશ દમણમાંથી દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહેલા આ દંપત્તીને પોલીસે ઝડપી લીધા છે. આ દંપત્તી રાજકોટથી દમણ દારૂ લેવા માટે આવ્યા હતા. આરોપી પતિ પત્ની પોતાની ગાડી સાથે દમણથી દારૂ ભરીને ગુજરાતમાં આવ્યા હતા. પોતાની ગાડીમાં જ સીટ અને અનેક જગ્યાએ બનાવેલા ચોરખાનાઓમાં દારૂ સંતાડીને ગુજરાતમાં લાવતા હતા. જો કે વાપી પોલીસે બંન્નેને ઝડપી લીધા હતા.
દમણ અને ગુજરાતની બોર્ડર સીલ કરી દેવામાં આવી હતી. જો કે લોકડાઉન ખુલ્યા બાદથી ફરી દારૂની હેરાફેરી શરૂ થઇ હતી.એ દરમિયાન આવી રહેલ એક કારણે રોકી તપાસ કરતા આ દંપત્તીએ પોતાની ગાડીમાં સાથે બાળક પણ રાખ્યું હતું જેથી પોલીસને શંકા ન જાય. ગાડીનું પ્રાથમિક દ્રષ્ટીએ જોતા કાંઇ પણ શંકાસ્પદ લાગ્યું નહોતું. જો કે ચોકસાઇથી તપાસ કરતા કારની સીટોમાં બનાવેલા ચોર ખાના અને ગાડીમાં વિવિધ જગ્યાએ રહેલા ચોર ખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રાજકોટનું આ દંપત્તી દમણથી દારૂ ભરીને આવી રહ્યું હતું. દંપત્તીએ ઝડપાયા બાદ કાકલુદી કરતા જણાવ્યું કે, મજબુરીમાં આ બધુ કરવું પડી રહ્યું છે. પોલીસ કારમાંથી ઝડપાયેલા વિદેશી દારૂનો જથ્થો અને કાર સહિત દંપત્તીની એક લાખથી વધારેની કિંમતના દારૂ સાથે ધરપકડ કરી છે.