Mysamachar.in-વલસાડઃ
ન જાણ્યું જાનકી નાથે, કાલ સવારે શું થશે, વાત સાચી ઠરી છે એક પોલીસ દંપતી સાથે. પલસાણાના તરાજ ગામની સીમમાં સાંજના સમયે પાછળથી કોઇ વાહન ચાલકે કારને ટક્કર મારતા ડિવાઇડર કૂદીને સામેના ટ્રેક પર સ્વીફટ કાર સાથે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં ગર્ભવતી મહિલા પોલીસનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બાદમાં તપાસમાં જાણવા મળ્યું કે મૃતક મહિલા વલસાડ જિલ્લા પોલીસમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતી હતી, જે બારડોલી પોલીસ મથકમાં ફરજ બજાવતા પતિ સાથે નોકરી કરવાના સ્વપ્ન સાથે બદલી કરાવીને સોમવારે સુરત એસપી ઓફિસથી ઓર્ડર લઇને કારમાં પરત ફરતી હતી. ઘટનાથી પોલીસબેડામાં શોકની લાગણી છવાઇ ગઇ હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથકમાં ખડકી બીટમાં છેલ્લા બે વર્ષથી ASI તરીકે ફરજ બજાવતા 29 વર્ષિય અનિલાબેન ચૌધરીના પતિ ભાવેશભાઇ ચૌધરી બારડોલી પોલીસ મથકમાં રાઇટર તરીકે ફરજ બજાવે છે. બંનેના લગ્નને એક વર્ષ પૂરૂ થયું છે. મહિલા એએસઆઇ ગર્ભવતી છે અને નવમો મહિનો ચાલચો હતો. સોમવારે અનિલાબેનનો બારડોલી પોલીસમાં બદલીનો ઓર્ડર થતાં પોતાના સબંધી પોલીસ કર્મચારી યોગેશ બાલુભાઇ ચૌધરી સાથે સુરત એસ.પી.ઓફીસમાં બારડોલીથી આઈ-20 કાર(GJ -19 BA- 2138) કારમાં સુરત આવ્યા હતા. સાંજે ઓર્ડર લઇને પરત ફરતી વખતે પલસાણા તાલુકાના તરાજ ગામની સીમમાં નેશનલ હાઇવે નં 53 પર પસાર થતાં હતા એ દરમિયાન રસ્તામાં તેમને કાળ ભેટ્યો હતો. મૃતક મહિલા પોલીસ સાથે કારમાં જઇ રહેલા અન્ય યુવક યોગેન્દ્ર ચૌધરીનું મોત નિપજ્યું છે, મૃતક યોગેન્દ્ર UPSC અને GPSCની પરીક્ષાની તૈયારી કરતો હતો.