Mysamachar.in-વલસાડઃ
થોડા સમય પહેલા જ વાપીના ચણોદ કોલોનીમાં રાત્રે બે મહિલાની ગોળી મારીને થયેલી હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે, તપાસમાં બહાર આવ્યું કે આ હત્યા અન્ય કોઇએ નહીં પરંતુ સગા પુત્રએ જ ભાડેથી શૂટરો મગાવી કરાવી હતી. માતાની હત્યા કરાવવા પુત્રએ તેના મિત્રને પાંચ લાખની સોપારી આપી હત્યા કરાવી, હત્યા પાછળ પુત્રએ કબૂલાત આપી કે માતાના અન્ય પુરુષો સાથે સંબંધથી કંટાળીને, સોશિયલ મીડિયામાં બીભત્સ ચેટિંગ અને મિલકત દાનમાં કરી દેવાની વાત કરતાં માતાનું કાસળ કાઢી નાંખવાનું આયોજન કર્યું હતું. તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે બિહારથી હત્યા કરવા આવેલા ઇસમને માતાની ઓળખ ન થતાં ઘરમાં બેઠેલી બંને મહિલાની હત્યા કરી હતી. વાપી જીઆઇડીસી પોલીસે હત્યા કરાવનાર પુત્ર અને પાંચ લાખની સોપારી લેનાર મિત્રની ધરપકડ કરી છે. જ્યારે હત્યા કરનાર બિહારના બે શાર્પશૂટર હજુ ફરાર છે.
માતા રેખાના ચારિત્રથી કંટાળી અને ત્રણથી વધારે પુરુષો સાથે સંબંધની સાથે સોશિયલ મીડિયામાં પુરુષો સાથે બિભત્સ ચેટિંગ અને પ્રોપટી વિવાદને લઇને પુત્ર બિપિને જ પાંચ લાખમાં મિત્ર કુંદનગીરી શંભુકાંતગીરીને માતાની હત્યાની સોપારી આપી હતી. મિત્ર કુંદનગીરીને હત્યા કરવા માટે એડવાન્સમાં 1 લાખ રૂપિયા ચૂકવી દેવાયા હતા. કુંદનગીરીએ બિહારથી બે શુટર્સ બોલાવીને હત્યા કરી હોવાનું વલસાડના એસપી સુનિલ જોશીએ જણાવ્યું હતું. ચણોદ કોલોનીમાં આરબીએલ હાઉસિંગમાં એકલી રહેતી રેખાની સાથે બનાવના દિવસે મહારાષ્ટ્રથી આવેલી તેમની સહેલી અનિતા ઉર્ફે દુર્ગા પણ સાથે હતી. શૂટર્સને રેખાની ઓળખ ન થતા બંને મહિલાની હત્યા કરીને બાઇક ઉપર ફરાર થઇ ગયો હતો. જીઆઇડીસી પોલીસે માતાની હત્યાની સોપારી આપનાર પુત્ર બિપિન ઉર્ફે ગુડ્ડુ અને બહ્મદેવ મહેતા અને હત્યાની પાંચ લાખમાં સોપારી લેનાર આરોપી કુંદનગીરી શંભુકાન્ત ગીરીની (રહે. આરબીએલ-ચણોદ કોલોની,વાપી મૂળ રહે. માધોડી, સમસ્તીપુર – બિહાર) ધરપકડ કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે 27મી જાન્યુઆરી સુધીના રિમાન્ડ લઇને વધુ તપાસ હાથ ધરી છે.