Mysamachar.in-દાહોદ:
રાજ્યના દાહોદ જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે, એલસીબીએ માત્ર રેસીંગ બાઇકની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય સુત્રધાર સહીત બે ની ધરપકડ કરી હોવાનું સામે આવી રહ્યું છે, આ આરોપીઓ પૈકી એક બાળ કિશોર પણ સંડોવાયેલો છે. પોલીસે આ ગેંગ પાસેથી ચોરીની કુલ 10 મોટરસાઈકલો કબજે કરી છે જેની કુલ કિંમત રૂ. 4 લાખ 65 હજાર છે. આ ગેંગના સાગરીતો દ્વારા દાહોદ જિલ્લામાં તેમજ આંતર જિલ્લા તેમજ અન્ય રાજ્યોમાંથી મોટરસાઈકલ ચોરી કરતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
દાહોદ એલ.સી.બી. પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી વાહન ચોરી ટોળકીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં હતાં. પોકેટ કોપ એપ્લીકેશનના માધ્યમથી વાહન ચોરીના બનાવના ભેદ ઉકેલવાના પ્રયાસોમાં લાગી હતી. ત્યારે પોલીસની કામગીરી દરમિયાન પોલીસને મળેલ બાતમીના આધારે મધ્યપ્રદેશ બોર્ડર તરફથી પલ્સર બાઇક તેમજ અપાચે બાઇક લઈ બે શંકાસ્પદ ઈસમો આવતાં હોવાનું પોલીસને બાતમી મળતાં દાહોદ એલ.સી.બી. પોલીસે ગરબાડા ચોકડી ઉપર મીનાક્યાર મધ્યપ્રદેશ બોર્ડર તરફથી આવતાં જોવાતી સાથે જ પોલીસે બંન્ને ઈસમોની બાઇક સાથે અટકાયત કરી હતી.
તેમની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ ન મળતાં પોલીસ બંન્નેને લઈ પોલીસ મથકે આવી ગઈ હતી અને ત્યાં ઘનિષ્ઠ પુછપરછ કરતાં કેટલીક હકીકત જાણવા મળતાં પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. પોલીસે ઝડપી પાડવામાં આવેલ સાગર મીઠાભાઈ ભાભોર અને મુકેશભાઈ મલસીંગભાઈ ભાભોર આ બંન્નેની સાથે એક બાળક કિશોર મળી ત્રણ જણાની પોલીસે અટકાયત કરી હતી. આ ત્રણેય જણાએ કબુલાત કરી હતી કે, પંચમહાલ, સુરેન્દ્રનગર, ઈન્દૌર વિગેરે સ્થળોએ મોટરસાઈકલ ચોરી કરતાં હતાં.
પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી ચોરીની કુલ 10 બાઇક જેની કુલ કિંમત રૂ. 4 લાખ 65 હજારની કિંમતની બાઇકો કબજે કરી હતી. આ આરોપીઓ પાસેથી જાણવા મળ્યાં અનુસાર, આ બાઈકર્સ ચોરી ગેંગમાં કુલ 8 સભ્યો છે જેઓ અલગ-અલગ શહેરોમાં જઈ રાત્રી દરમિયાન વાહનો પાર્ક કરેલી જગ્યાએ રેકી કરી વાહનોના લોક તોડી અથવા ડુપ્લીકેટ ચાવીઆએ વડે લોક તોડી મોટરસાઈકલ ચોરી કરતાં હતાં. નક્કી કરેલા ચોક્કસ જગ્યાએ ચોરીની બાઇક સંતાડી રાખતાં હતાં અન આ ગેંગના નક્કી કરેલા સભ્યો ચોરીની બાઇક વેચવા માટે ગ્રાહકો શોધતાં હતાં.હવે પોલીસે આ ગેન્ગના અન્ય સાગરીતોને દબોચવા કવાયત હાથ ધરી છે.