Mysamachar.in-દાહોદ
દાહોદ જિલ્લાને અડીને આવેલા મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના યુવાનો મોજશોખ માટે હાઇસ્પીડ બાઇકની ચોરી કરતા હતાં. મધ્ય પ્રદેશ સાથે તેમણે ગુજરાત અને રાજસ્થાન રાજ્યને પણ નિશાન બનાવ્યુ હતું. દાહોદ શહેર પોલીસે ચોરીની 11 હાઇસ્પીડ બાઇક અને એક બોલેરો સાથે ચાર યુવકોની ધરપકડ કરી છે જ્યારે આ ટોળકીના દાહોદ શહેરનો એક મળીને કુલ છ યુવાનો હજી ફરાર હોવાથી તેમની શોધખોળ શરૂ કરાઇ છે. મધ્ય પ્રદેશના અલીરાજપુરની હાઇસ્પીડ બાઇક ચોરી કરનાર ગેગના લીડર સુનિલ કહારસિગ ડાવર તેના સાગરીતો સાથે ચોરીની અપાચે બાઇક સાથે દાહોદ શહેરમા ચોરીના ઇરાદે આવનાર હોવાની બાતમી પોલીસને મળી હતી. તેના આધારે પોલીસે નાકાબંધી ગોઠવી હતી.
શહેરના પડાવ વિસ્તારમાં MP-45-B-4998ની અપાચે લઇને આવેલા યુવાનોને શંકાના આધારે કોર્ડન કરીને પુછપરછ કરતાં યુવકોએ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના બહેડિયા ગામના ડાલરિયા ફળિયાનો 20 વર્ષિય સુનીલ કહારસિંગ ડાવર અને 21 વર્ષિય મહેશ ઉર્ફે મડીયા વાલસિંગ અખાડિયા હોવાનું જણાવ્યુ હતું. બાઇકના કોઇ કાગળો તેમની પાસેથી મળ્યા ન હતાં. યુવાનો મોજશોખ માટે હાઇસ્પીડ બાઇકની ચોરી કરતાં હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ટીમો બનાવીને મ.પ્ર.ના જુદા-જુદા ગામોમાંથી ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી ચોરાયેલી 11 હાઇસ્પીડ બાઇક અને એક બોલેરો કબજે લીધી હતી.
આ સાથે તેમની ગેંગના અલીરાજપુરના ભોરવકુવાના ધુંધરસીંગ મુવેલ અને રાણાપુરના ઢોલીવાડ ગામના મુકેશ ભાભોરને પણ પકડવામાં આવ્યા હતાં. દાહોદ શહેરનો એક મળીને તેમની સાથે વધુ છ યુવકો પણ ચોરીમાં સંડોવાયેલા હોવાથી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે. યુવાનો દ્વારા રાજસ્થાનના સજનગઢથી કેટીએમ ડક, કલીંજરાથી બુલેટ, ગુજરાતના દાહોદથી પોલીસની સરકારી અપાચે, ખંગેલાથી અપાચે, ગોધરાથી બોલેરો જીપ, અંકલેશ્વર જીઆઇડીસીથી યુનિકોર્ન, વડવાદની નર્મદા કોલોનીથી સીબી સાઇન, મધ્ય પ્રદેશના ઇન્દૌરથી પલ્સર, ઝાબુઆથી અપાચે, બોરીથી પલ્સર, રાણાપુરથી એચએફ ડીલક્ષ, ધારથી સીબી ટ્રીગર બાઇકની ચોરી કરી હતી.