Mysamachar.in-કચ્છ:
કચ્છની કળાના કામણ હવે દેશ-વિદેશમાં પથરાઈ રહ્યા છે.ગ્રામીણ ભારતની કળા વૈશ્વિક ફલક પર ખ્યાતિ પામે તેવા ઉમદા હેતુથી અમદાવાદ સ્થિત અદાણી કોર્પોરેટ હાઉસ ખાતે ગ્રામ ભારતી-2022 પ્રદર્શન યોજાયું. આ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશન સાથે જોડાયેલા ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીશગઢ, તામિલનાડુ, મધ્યપ્રદેશ વગેરે રાજયોની મહિલાઓ જૂથોએ ભાગ લીધો. જેમાં મુંદ્રાના સ્વસહાય મહિલા જૂથોની હસ્તકળાએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું.આ પ્રસંગે અદાણી જૂથના ચેરમેન ગૌતમભાઈ અદાણી દ્વારા મુંદ્રાની 75 ઉદ્યમશીલ બહેનોની સફળ વાર્તાઓ ધરાવતાં પુસ્તક “પ્રગતિ“ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
નવરાત્રી દરમિયાન આયોજીત ગ્રામ ભારતી-2022 પ્રદર્શન અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું. તેઓએ સ્ટોલ્સની મુલાકાત લઈ સ્વસહાય જૂથોની બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા.અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ.પ્રિતી અદાણીએ પણ સ્ટોલ્સની જાત મુલાકાત લઈ પ્રોડક્ટ્સ વિશેની માહિતી મેળવી હતી.કચ્છ જિલ્લાના સ્વસહાય જૂથોએ કચ્છનું સુફ ભરત, વોલ હેંગીંગ, બેગ, ડ્રેસ, દોરીકામ, મડવર્ક, દિવડાઓ, ફ્રેમ, કચ્છી ધડકી, સોફ્ટ ટોયસ, મોતીકામ, ઉનની વિવિધ બનાવટો, તમામ પ્રકારના નાસ્તાઓ વગરેનું પ્રદર્શન કર્યુ હતું.લોકોએ હસ્તકળાની કિંમતસામે નહી, પરંતુ બહેનોના આત્મનિર્ભર બનવાના મજબૂત ઈરાદાઓને સલામ કરી પ્રોત્સાહિત કર્યા હતા.
ત્રીદિવસીય પ્રદર્શનમાં કંપનીના કર્મચારીઓએ ભારે સંખ્યામાં લાભ લઈ ગ્રામજનોની કળાને વખાણી હતી.મુંદ્રાના સ્વસહાય જૂથોની મહિલાઓએ માત્ર બે દિવસમાં 1.50 લાખથી વધુની કમાણી કરી એક લાખથી વધુના ઓર્ડર મેળવ્યા હતા. ગ્રામ ભારતી પ્રદર્શનમાં સહભાગી સ્વસહાય જૂથોને શીલીનબેન અદાણીના હસ્તે રૂ. 5000/- ની રકમ પ્રદાન કરવામાં આવી હતી. જેમાં અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાઇરેકટર વી.એસ. ગઢવી, ફાઉન્ડેશનના સી.ઓ.ઓ. ચંદ્રશેખર ગોડા સહિત ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામ ભારતીમાં ભાગ લેનાર મેઘધનુષ ગ્રૂપના નિતાબેન કોકાએ જણાવ્યું હતું કે “અમારા જેવી બહેનોની કળાને પ્રદર્શિત કરવાની તક આટલા મોટા કોર્પોરેટ હાઉસમાં મળશે એવું સપનેય વિચાર્યુ નહોતુ. હું અદાણી ફાઉન્ડેશન મુંદ્રાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમના લીધે અમને આ અવસર મળ્યો. મને વિશ્વાસ છે કે, આ તક અમારી તસવીર અને તકદીર બદલનારી સાબિત થશે. તેજસ્વી ગ્રૂપના મેઘનાબેન જણાવે છે કે “અમારી બહેનોને સન્માન સાથે આ તક મળી તે ગૌરવની વાતછે. અમો હવે આનાથી વધુ સારી ગુણવત્તા અને આકર્ષક ચીજવસ્તુઓ બનાવીને ગ્રાહકોની જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ કરીશું.”
આત્મવિશ્વાસથી છલકાતા કપાયાના શ્રદ્ધા સહેલી ગ્રૂપના પ્રજ્ઞાબાએ જણાવે છે કે “ગૌતમ અદાણી સાહેબે અમારી વસ્તુને ચાખીને તરત ખરીદી એ પળ અમારા માટે લાખની હતી. અમો હજુ વધુ વેરાયટીઅને સ્વાદિષ્ટ નાસ્તાઓ તૈયાર કરી મળેલા ઓર્ડરને પૂરા કરીશું.ગ્રામ ભારતી કાર્યક્રમને સફળતાપૂર્વક આયોજીત કરવા માટે APSEZના એક્ઝિક્યુટિવ ડાઇરેક્ટર રક્ષિતભાઈ શાહે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અદાણી ફાઉન્ડેશનના સીએસઆર હેડ પંક્તિબેન શાહ, મહિલા સશક્તિકરણ કાર્યક્રમના સિનિયર પ્રોજેકટ ઓફિસર પારસભાઈ મહેતા, કચ્છના મહિલા સશક્તિકરણ પ્રોજેકટ ઓફિસર દેવલબેન ગઢવી તથા સીનીયર ડોક્યુમેન્ટ ઓફીસર રિદ્ધિબેન ત્રિવેદીએ ભારે જહેમત ઉઠાવી હતી.