Mysamachar.in-કચ્છ:
રાજ્યમાં લાંચનું ચલણ ઝડપથી વધી રહ્યું છે તેની સામે લાંચિયાઓ પણ ઝડપાઈ રહ્યા છે, છતાં પણ કટકીબાજ બાબુઓ કટકી કરવાનું છોડતા નથી અને એસીબીની ઝાળમાં ફસાઈ જાય છે, આવો જ વધુ એક કિસ્સો કચ્છમાં થી સામે આવ્યો છે, જ્યાં તલાટી કમ મંત્રી માત્ર 1500 રૂપિયાની લાંચ લેતા એસીબીને હાથ ઝડપાઈ ગયો છે.કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકાના પત્રી ગામમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા મહિલાને રૂપિયા 1500ની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
મુંદ્રા તાલુકાની પત્રી ગ્રામ પંચાયતની કચેરીમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા મિતલબેન ભગવતીપ્રસાદ રાવલને એસીબીએ રૂપિયા 1500ની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. આ કામના ફરિયાદીની પત્નિના નામે રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમ, નવી દિલ્હી અને રાજ્ય સરકાર દ્રારા અમલીત સીધા ધિરાણ ’’Small Business’’ યોજના હેઠળ ગોપાલક વિકાસ નિગમ ગાંધીનગર ખાતેથી બે લાખ રૂપિયાની લોન મંજૂર થઈ હતી. જે લોનના જામીનદારના મકાનના આકારણી પત્રકમાં સહી સિક્કા સાથે પ્રમાણપત્ર મેળવવા માટે આરોપીએ રૂ.1500ની લાંચની માંગણી કરેલ હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય ફરિયાદીએ એસીબીમાં ફરીયાદ કરતા એસીબીએ ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આરોપીએ ફરીયાદી પાસે લાંચની માંગણી કરી રૂપિયા 1500 સ્વીકારતા ઝડપાયા હતા.