Mysamachar.in-કચ્છ:
તસ્કરો અલગ અલગ પ્રકારે ચોરીને અંજામ આપતા હોય છે, એવામાં હાઈવે પર ચાલતી ટ્રકોની તાલપત્રી તોડી અને તેલની ચોરી કરતી ગેંગના 2 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે, કચ્છથી ખાદ્યતેલ ભરીને હાઇવે પર નિકળતી ટ્રકોની તાલપત્રી ચીરી તસ્કરીને અંજામ આપતી ગેંગના બે સાગરીતોને આડેસર ચેકપોસ્ટ પર વોચ ગોઠવી સ્થાનિક પોલીસે ચોરેલા તેલના 288 પાઉચ સાથે પકડી લઇ પર્દાફાશ કર્યો હતો.
આડેસર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, હાઇવે પર જતી ટ્રકોની તાલપત્રી તોડી તેલ ચોરી કરતી ગેંગના બે સાગરીતો સાંતલપુરથી આડેસર તરફ પેસેન્જર વાહનમાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે આડેસર ચેકપોસ્ટ પર વોચ ગોઠવાઇ હતી.બાતમી મુજબનું વાહન રોકી પકડાયેલા સાંતલપુરના રાણીસરના શાહરૂખ હુસેન ભટી અને રફીક હુસેન ભટીની પુછપરછ કરતાં તેમણે ટ્રકોની તાલપત્રી તોડી ચોરીઓ કરી હોવાની કબૂલાત આપી હતી.આરોપીઓ પાસેથી રૂ.21,484 ની કિંમતના ખાદ્ય તેલના 24 બોક્સ તેમાં 1 લીટરનો એક એવા 288 તેલના પાઉચ કબજે કરાયા હતા. ગેંગના સુભાન જુમા ભટી, મહેબુબ જુમા ભટી, ટીંડો ઉર્ફે નજીર શક્કરભાઇ ભટી, કાદર થારૂ ભટી અને શરીફ ઉર્ફે નાના સાદક ભટીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.