Mysamachar.in-કચ્છ:
આજના સમયમાં જો આપણે સતર્ક ના રહીએ તો કોઈપણ આવીને ચૂનો લગાવી જાય તેવી સ્થિતિ છે, માટે કોઈની વાતોમાં આવ્યા વિના દરેક બાબત ખરાઈ કરીને જ સામેવાળી વ્યક્તિનો વિશ્વાસ કરવો જોઈએ તેવી શીખ આપતો કિસ્સો અંજારમાં સામે આવ્યો છે, અંજારમાં તેલંગાણાના વેપારીને સસ્તા સોનાની લાલચ આપી બોલાવી રૂ.25 લાખનો ચૂનો ચોપડાવી દેનાર બે ઇસમોને પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડીયાના અલગ અલગ દરના 37 બંડલ સહિત કુલ રૂ.14.72 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ પુછપરછ હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ તેલંગાણાના મેડચલમાં રહેતા અને સેન્ટ્રિંગ કામ સાથે સંકળાયેલા 28 વર્ષિય રાહુલ શંભુ દુબેએ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ભુજ તાલુકાના લુડીયા રહેતા લિયાકતઅલી ઉર્ફે અલી રસીસુલ્લા નોડે, અંજારના હેમલાઇ ફળિયામાં રહેતા અલીશા કાસમશા શેખ અને સુલેમાન મામદ શેખે તેમને સોનામાં 35 થી 40 ટકા ડિસ્કાઉન્ટ આપવાની લાલચ આપી રૂ.25,00,000 ની છેતરપિંડી આચરી છે.આ ફરિયાદ નોંધાયા બાદ એલસીબીએ લિયાકતઅલી ઉર્ફે અલી રસીસુલ્લા નોડે અને અલીશા કાસમશા શેખને ગંગાનાકેથી પકડી લઇ આ બાબતે પુછપરછ કરતાં બન્ને આરોપીઓએ પોતે આ ગુનો કરેલો હોવાની કબૂલાત આપી હતી.
તેમજ વેપારીઓને વિશ્વાસમાં લઇ છેતરપિંડી કરી તેમની પાસેથી મેળવેલ રૂપિયા અને ચિટિંગ માટે રાખેલા સોનાના બિસ્કીટ અને ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ પોતાની ગેંગના અન્ય સાગરિતના ઘરે રાખ્યા હોવાનું જણાવતાં મદિનાનગર જઇ પકડાયેલા આરોપીઓ પાસેથી રૂ.9,80,000 ની કિંમતના 200 ગ્રામ સોનાના બે બિસ્કીટ, રૂ.4,46,750 રોકડા રૂપિયા, રૂ.40,000 ની કિંમતના 4 મોબાઇલ, ડુપ્લિકેટ સોનાના 100 ગ્રામના 37 બિસ્કીટ,ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડીયાના અલગ અલગ દરના 152 બંડલ,રૂપિયા 2000,500,200,100 અને 50 ના દરની નોટની સાઇઝના કોરા કાગળોના 151 બંડલો તેમજ આરોપીઓની અંગ ઝડતીમાંથી રૂ.5,900 રોકડ મળી કુલ રૂ.14,72,650 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
આ ગેંગના સાગરીતો ભારતીય બનાવટની ચલણી નોટો જેમાં રૂ.2000,500,200,100 અને 50 ના દરની નવી નોટો મેળવી આ જ સાઇઝની કોરા કાગળો વાળા બંડલો બનાવી બંડલ ઉપર તથા નીચેના ભાગે અસલી નોટો રાખી ગ્રાહક તરીકે આવેલા વેપારીઓને બતાવી તેમજ અસલ સોનાના બિસ્કીટ જેવા અન્ય ધાતુના બિસ્કીટ બતાવી વેપારીઓને વિશ્વાસમાં લઇ સસ્તા ભાવે સોનું આપવાની અને 35 થી 40 ટકા ડિસ્કાઉન્ટની લાલચ આપી છેતરપિંડી કરતા હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.