Mysamachar.in-કચ્છ
70 વર્ષના બા એ પુત્રને જન્મ આપ્યો છે, આ શબ્દો વાંચીને જરા પણ ચોંકી ના જશો આ શબ્દો એકદમ સાચા છે, આજના સમયમાં સંતાનપ્રાપ્તિના થતા આશા છોડી દઈ અને આપઘાતના માર્ગ અપનાવતી કેટલીય મહિલાઓ માટે આ કિસ્સો આશા સમાન છે, વાત એવી છે કે કચ્છ જીલ્લાના રાપર તાલુકાના મોરા ગામનાં 70 વર્ષનાં જીવુબેન રબારીએ લગ્નનાં 45 વર્ષ બાદ ટેસ્ટટ્યૂબ થકી બાળકને જન્મ આપ્યો છે. જીવુબેન અને તેમના 75 વર્ષીય પતિ વાલજીભાઈ રબારી છેલ્લા ચાર દાયકા કરતા વધુ સમયથી સંતાન માટે ઝંખતાં હતાં.
ભૂજની ખાનગી હોસ્પિટલમાં ડૉ.નરેશ ભાનુશાળીની સલાહ મુજબ જીવુબેને આઇવીએફ ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. જે થકી આખરે માતા બનવાની તેમની મનોકામના પૂરી થઈ છે. પોતે આ ઉંમરે પિતા બનતા પ્રભુ અને ડોક્ટરનો આભાર માન્યો હતો. શેર માટીની ખોટ પૂરી કરતા પોતાના બાળકનું નામ પણ ‘લાલો’ રાખ્યું હતું. IVF સારવાર થકી જે બાળક જન્મ્યું તે સારવારમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ગર્ભાધાન કરવા માટેની એક કૃત્રિમ પદ્ધતિ છે. આ પ્રક્રિયાથી જન્મેલા બાળકને ટેસ્ટટ્યૂબ બેબી કહેવાય છે. આ પદ્ધતિમાં મહિલાનાં અંડ અને પુરુષના શુક્રાણુને લેબોરેટરીમાં એકસાથે રાખીને ફળદ્રુપ કરવામાં આવે છે. એ પછી ગર્ભને મહિલાના ગર્ભાશયમાં ખસેડવામાં આવે છે.