Mysamachar.in-કચ્છ
આસો નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે માઈભક્તો જે દરવર્ષ નવરાત્રીમાં કચ્છ ખાતે આશાપુરા માતાજીને માથું ટેકવવા અને આશીર્વાદ મેળવવા જાય છે તે માઈ ભક્તો માટે આજે આજે આવ્યા છે ખુશીના સમાચાર… આ વર્ષે માતાનામઢ નવરાત્રિમાં ખુલ્લું રહેશે આ સમાચાર સાંભળતાની સાથે જ માતાજીના ભક્તોમાં ખુશી વ્યાપી ગઈ છે. કચ્છ કુળદેવી આઈ શ્રી આશાપુરા માતાજીના મંદિરે આસો નવરાત્રી દરમ્યાન લાખો શ્રદ્ધાળુઓ શીશ ઝુકાવવા આવતા હોય છે. નવરાત્રી પર્વ દરમ્યાન અહી નવે નવ દિવસ એક મેળા જેવો માહોલ જોવા મળતો હોય છે. વૈશ્વિક મહામારી કોરોનાના કારણે ગત વર્ષે નવરાત્રી દરમ્યાન ભક્તો માટે મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. ત્યારે ચાલુ સાલે 7 ઓકટોબરથી નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો હોઈ માંના ભક્તો મઢ આવવા માટે થનગની રહ્યા હોઈ નવરાત્રી મેળાનું આયોજન કરવું કેમ તે અંગે આજે લખપત મામલતદાર અધ્યક્ષસ્થાને જાગીર ટ્રસ્ટ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં નોરતા દરમ્યાન દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામા આવતા ભાવિકોમાં ખુશી વ્યાપી ગઈ છે,
આમ તો કચ્છ કુળદેવી આશાપુરા માતાનામઢ સ્થિત મંદિરે વર્ષના 365 દિવસ ભક્તોની ભીડ જોવા મળતી હોય છે, પરંતુ નવરાત્રી દરમ્યાન તો જાણે ભક્તોનું ઘોડાપુર અહી ઉભરાતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે. જે બાદ આજરોજ બપોરે જાગીર ટ્રસ્ટ ખાતે લખપત મામલતદાર સોલંકીના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. જેમાં લેવાયેલા નિર્ણયમાં નવરાત્રી દરમ્યાન દર્શનાર્થીઓ માટે સવારે ચાર વાગ્યા થી રાત્રીના બાર વાગ્યા સુધી મંદિર ખુલ્લું રાખવાનું સર્વાનુમતે નક્કી કરાયું હતું. જો કે, મંદિરમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાનું રહેશે તેવું પણ મીટીંગમાં નક્કી કરાયું હતું. તો પદયાત્રી કેમ્પો અને મેળો આ વર્ષે બંધ રખાશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી તંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રદ્ધાળુઓ માટે વધારાની બસો દોડાવાશે. તો લાખો ભાવિકો દર્શનાર્થે આવતા હોય ત્યારે અવ્યવસ્થા ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે. અહી દરવર્ષની જેમ આં વર્ષે પણ વહીવટી તંત્રની સાથોસાથ સ્વયંસેવકો પણ તૈનાત રહેશે આમ નવરાત્રીમાં માતાજીના દર્શન કરવા ચોક્કસથી ભાવિકો જઈ શકશે પણ કોરોના ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવું પડશે.