Mysamachar.in-કચ્છ
જો ઘરમાં નાના બાળકો હોય તો તેના પર નજર રાખવી ખુબ જરૂરી છે, અન્યથા ના ઘટવાની ઘટનાઓ પણ ઘટી શકે છે, નાના બાળકો તમામ વસ્તુઓ રમતમાં લઈ લેતાં હોય છે. પણ અમુક વાર રમત તેમના માટે જીવનની અંતિમ રમત સાબિત થઈ શકે છે.આવો જ એક દુખદ કિસ્સો ભુજમાં સામે આવ્યો છે, જ્યાં રમત રમતમાં ત્રણ બાળકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ભુજ તાલુકાના ખાવડા પાસે આવેલા ધ્રોબણા ગામ પાસે સૂકી નદીમાં ભેખડ ખોદીને ઘર-ઘર રમતા ત્રણ પિતરાઇ ભાઈઓ પર ભેખડ ધસી પડી હતી. ભેખડ નીચે દટાઇ જતાં ત્રણેય પિતરાઈ ભાઈઓના મોત નીપજ્યાં છે. એકજ ગામના ત્રણ બાળકોના મોતથી ધ્રોબણા ગામમાં શોકનો માહોલ છે.
ધ્રોબણા પાસેની હુસેની વાંઢમાં રહેતા મુનીર, કલીમ અને રજા ત્રણેય પિતરાઈ ભાઈઓ ગઇકાલ સાંજથી રમવા માટે બહાર નીકળ્યા હતા. ત્રણેય પિતરાઈ ભાઈઓ ગામની નજીક આવેલી નદી પાસે ભેખડમાં માટીનું ઘર બનાવીને રમતા હતા. જોકે મોડી સાંજ સુધી બાળકો આવતા નહીં પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો ત્રણેયની શોધખોળ આદરી હતી. પરિવારજનો શોધખોળ કરી રહ્યાં હતા એ સમયે ત્રણેય પિતરાઈ ભાઈઓના ચપ્પલ નદી પાસેથી મળી આવ્યા હતા અને બાજુમાં રેતીનો ઢગલો હતો. રેતીના ઢગલામાં તપાસ કરતા ત્રણેય બાળકો મળી આવ્યા હતા. જેમને મોડી રાત્રે સારવાર અર્થે ખાવડાના સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં ગ્રામજનો શોકમાં ગરકાવ થઇ ગયા હતા.






