Mysamachar.in-કચ્છ
કચ્છના પશ્ચિમી સાગરકાંઠેથી વધુ એકવાર બોર્ડર સિક્યોરીટી ફોર્સએ 20 લાખ રૂપિયાની કિંમતના ચરસના 13 પેકેટ કબ્જે કર્યાં છે. અગાઉની જેમ જ ચરસના આ પેકેટ દરીયામાંથી કાંઠા નજીક તણાઈ આવેલાં છે. સીમા સુરક્ષા દળે કોટેશ્વર કોરી ક્રીક નજીકથી બીનવારસી હાલતમાં આ પેકેટ કબ્જે કર્યાં છે. જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયાએ બીએસએફએ વધુ 13 પેકેટ રીકવર કર્યાં હોવાનું સમર્થન આપ્યું છે.તેમણે ઉમેર્યું કે અગાઉ કચ્છ પોલીસે શેખરણ પીર પાસેથી 24 લાખની કિંમતના ચરસના જે 16 પેકેટ કબ્જે કર્યાં હતા તે જ જથ્થા પૈકીનો આ માલ છે. ગઈકાલે નેવી ઈન્ટેલિજન્સએ કોટેશ્વરના ક્રીક એરીયામાંથી 28.50 લાખની કિંમતના 19 પેકેટ કબ્જે કર્યાં હતા.
-12 દિવસમાં જ પોણો કરોડની કિંમતના 49 પેકેટ મળ્યાં
પશ્ચિમ કચ્છ એસઓજી અને જખૌ મરીન પોલીસે 20 મેનાં રોજ શેખરણપીર નજીકથી ચરસના 24 લાખની કિંમતના 16 પેકેટ કબ્જે કર્યાં બાદ હરકતમાં આવેલી અન્ય એજન્સીઓએ પણ પેટ્રોલીંગ-સર્વેલન્સ વધારી ચરસના વધુ 33 બીનવારસી પેકેટ કબ્જે કર્યાં છે. 22 મેનાં રોજ બીએસએફએ મોટા પીર પાસેથી 1 પેકેટ ઝડપ્યું હતું. તો, ગઈકાલે નેવીએ 19 પેકેટ અને આજે બીએસએફએ વધુ 13 પેકેટ કબ્જે કર્યાં છે. અત્યારસુધી પકડાયેલાં 49 પેકેટની કિંમત 73.50 લાખ જેટલી થાય છે.