Mysamachar.in-કચ્છઃ
કચ્છના બન્નીના ઘાસિયા મેદાનની ઘટના સામે આવી છે. 300 જેટલા સરીસૃપ સાંઢાની હત્યાની આશંકા સેવાઈ રહી છે. સાંઢાના દર માંથી કાઢીને હત્યા કરાઇ હોવાની આશંકા સેવાઈ રહી છે. સ્થાનીકો દ્વારા કરાઇ વનવિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગે ઘટના સ્થળે પહોંચી તાપસ હાથ શરૂ કરી છે. લાખાબોથી સાત કિલોમીટર અંદરના મેદાની વિસ્તારમાં સાંઢાના દરમાંથી તેને કાઢીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. જેની સંખ્યા 300 થી વધુ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. કચ્છમાં ઘાસિયા ભૂમિ સંરક્ષણ અને વન્યજીવ સંરક્ષણ માટે કામ કરતી સંસ્થા સહજીવનના રીતેશ ફોકાટના ધ્યાને આ ઘટના આવી હતી. તેમણે એક વીડિયો તૈયાર કરી અને પ્રસારણ માધ્યમોનું આ ઘટના અંગે ધ્યાન દોર્યુ હતું. એક નિવેદનમાં તેમણે જણાવ્યું, વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાએ અમને અબડાસા અને લખપતના કેટલાક ગામોમાં સાંઢાનો અભ્યાસ કરવાનો પ્રોજેક્ટ આપ્યો હતો. અમારા ધ્યાને આવ્યું કે બનીના મેદાનમાં સાંઢાનો મોટાપાયે શિકાર થઈ રહ્યો છે.
સાંઢો એક એવો જીવ છે જેની અંદર એક ખાસ પ્રકારનું તેલ હોય છે, જેનાથી ‘વા’ સહિતના હાડકાના રોગનો ઈલાજ થાય છે તેવી માન્યતા છે.આ ઉપરાંત મર્દાનગી વધારવા પણ તેનામાં એફ્રોડિસિયા તત્વ હોવાનું લોકજીભે વણાયેલું છે. ત્રીજું છે કે બળદને ખવડાવી તેની તાકાત વધારવી. આમ કુલ એકંદરે માનવીય સ્વાર્થની માન્યતા હેઠળ એકસાથે આટલા મોટા પ્રમાણમાં સાંઢાની હત્યા થઇ હોવાની વાત સામે આવી છે, ત્યારે હકીકત શું છે તે તો તપાસ બાદ જ ખ્યાલ આવી શકશે. માત્ર ઘાસ ખાઈને નિર્ભર રહેતો જીવ કચ્છમાં મુખ્યત્વે અબડાસા, લખપત અને બન્નીમાં જોવા મળે છે અને બહુજ ઓછી સંખ્યામાં બચ્યા છે. આ બનાવ અત્યંત ગંભીર છે અને જો દાવો સાચો પડે તો સ્પષ્ટ બાબત છે કે,સાંઢાની હત્યા કરી તેને સામૂહિક ધોરણે કચ્છ બહાર સપ્લાય કરવામાં આવે છે. તો શું તેમાં કોઈ સ્થાનિક કે વિદેશી સંસ્થા સહીતની સંડોવણી છે કે પછી કોઈ મોટું ભેજું જમીની લોકોથી જોડાઈને રેકેટ ચલાવી રહ્યું છે ?
એવા પણ આરોપ લગાવવામાં આવ્યા છે કે ઘાસિયા મેદાનમાં સાંઢાના દરને ખોદવામાં આવ્યું હતું,બાદમાં તેને કાઢીને હત્યા કરી દેવામાં આવે છે અને તેના મૃતદેહને લઇ જવામાં આવે છે.ત્યારબાદ ત્યાં છાણાની ઢગલી મૂકી દેવાઈ હતી જેથી કરીને ખબર પડે કે આ દરમાં સાંઢાની હત્યા થઇ ચૂકી છે. આ અંગે બન્ની ગ્રાસલેન્ડના આર.એફ.ઓ રાહુલ દેસાઈને પ્રશ્ન પૂછતાં તેઓએ જણાવ્યું કે, અમને આ વિસ્તારમાં સાંઢાની હત્યા થઇ હોવાનું વિગતો પ્રાપ્ત થઇ છે.જેથી શનિવારે ઉગતી સવારે અમારી ટીમ આ વિસ્તાર ખૂંદી વળશે અને તેના વિષે તપાસ આદરી દેવાઈ છે.