Mysamachar.in-કચ્છઃ
કચ્છના ભુજમાં શિક્ષણ જગતને કલંક લગાવતી ઘટના સામે આવી છે. અહીં આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કોલેજની વિદ્યાર્થિનીઓએ આક્ષેપ લગાવ્યો કે તેમાના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવી. એટલું જ નહીં વિદ્યાર્થિનીઓએ વિરોધ કરતાં કોલેજના સંચાલકોએ વિદ્યાર્થિનીઓ પર દબાણ લાવીને મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો તથા હોસ્ટેલમાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપી છે. બેજવાબદાર બનેલા સંચાલકોએ ચીમકી આપી છે કે આવી રીતે ભવિષ્યમાં પણ તપાસ કરવામાં આવતી રહેશે. જો કોઈને મંજૂર ન હોય તો કોલેજ કે હોસ્ટેલ છોડીને જતાં રહે.
એક પછી એકને બાથરૂમમાં લઇ જઇ કરાઇ તપાસ
સમગ્ર મામલો સામે આવતા ચારેબાજુ કોલેજ સંચાલકો પર ફિટકારની લાગણી પ્રસરી છે, સાથે જ વિદ્યાર્થિનીઓના વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો હતો કે, બુધવારે તેમને ચાલુ ક્લાસમાંથી બહાર પેસેજમાં બેસાડવામાં આવી હતી. ત્યારબાદ માસિક ધર્મને લઈને પૂછપરછ કર્યા બાદ એક પછી એક વિદ્યાર્થિનીને વોશરૂમમાં લઈ જવાઈ હતી અને માસિક ધર્મની તપાસ કરાઈ હતી. વિદ્યાર્થિનીઓના તીવ્ર વિરોધને પગલે સંચાલકોએ કેટલીક વિદ્યાર્થિનીઓને ઓફિસમાં બોલાવી હતી. વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમને ઓફિસમાં ઇમોશનલ બ્લેકમેઇલ કરીને તેમની પાસેથી લખાણ લખાવી લીધું હતું. તેમજ સંચાલકોએ વિદ્યાર્થિનીઓને એમ પણ જણાવી દીધું હતું કે, તમને અમારા પ્રત્યે લાગણી હોય તો આવું ન કરો. પગલાં લેવાની વાત જવા દો. ત્યારે હવે જોવું રહ્યું કે શિક્ષાના મંદિરમાં બનેલી આ લાંછનરૂપ ઘટનાને લઇને કોઇ પગલા લેવામાં આવે છે કે કેમ.