Mysamachar.in-કચ્છઃ
ફરી એકવાર ગુજરાતના દરિયા કિનારેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ કરાયો છે. કચ્છના જખૌ પાસેથી રૂપિયા 175 કરોડની કિંમતનો હેરોઇનનો જથ્થઓ ઝડપાયો છે. પાકિસ્તાનની બોટમાં આ ડ્રગ્સ લઇને આવી રહેલા પાંચ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. ATSની ટીમ દ્વારા બોટમાંથી 36 હેરોઇનના પેકેટ ઝડપી પાડવામાં આવ્યા છે. કોસ્ટગાર્ડ અને સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગુજરાતના યુવાનોને બરબાદ કરવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. રાજ્યના DGPએ પણ ટ્વીટ કરી સમગ્ર માહિતી આપી હતી.
પ્રાથમિક વિગત પ્રમાણે ઝડપાયેલા પાંચેય આરોપીકરાંચીનાં છે. જેઓ ઇરાની સીમામાંથી 35 જેટલા ડ્રગ્સનાં પેકેટનું કન્સાઇન્ટમેન્ટ લઇને ગુજરાત આવવા નીકળ્યા હતા. ગુજરાત એટીએસ પાસે આ અંગેની બાતમી મળી હતી જેના આધારે આ આખુ ષડયંત્રનો પર્દાફાશ થયો છે. વધુ પુછપરછમાં બહાર આવ્યું કે આ ડ્રગ્સ ગુજરાતમાંથી વિદેશમાં લઇ જવાનું આયોજન હતું. ગુજરાતમાં આ ડ્રગ્સનો જથ્થો કોને આપવાનો હતો અને છેલ્લા સમયથી આ નેટવર્ક ચાલી રહ્યું છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ગુજરાતના દરિયાકાંઠેથી અવાર નવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાતું રહે છે. જોકે કોસ્ટગાર્ડ અને પોલીસની સતર્કતાથી આ ડ્રગ્સ યુવાનોને બરબાદ કરે એ પહેલા જ પકડાઇ જાય છે.