Mysamachar.in-કચ્છઃ
'લાલચ બૂરી બલા' આ કહેવતને સાચી ઠેરવી છે કચ્છના મેઘપર કુંભારડીમાં રહેતા એક પરિવારે, ઠગ મહિલાની વાતોમાં આવી એક ગૃહિણીએ પરિવારના 9.15 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. ઠગ મહિલાએ ગૃહિણીને સસ્તામાં સોનાના બિસ્કિટ અપાવવાની લાલચ આપી, લાલચ અને વાતોમાં આવી એવી રીતે ફસાવી કે મામલો હવે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. વાત એવી છે કે મેઘપર કુંભારડીના ગોલ્ડનસિટીમાં રહેતા 32 વર્ષિય ગૃહિણીએ ફરિયાદ નોંધાવી કે તેમની બાજુમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં રહેતી ઝરીના લંઘા સાથે આંખની ઓળખાળ બંધાઇ હતી, બાદમાં ઝરીનાએ જણાવ્યું કે સસ્તા ભાવે સોનાના બિસ્કિટ લાવી વેચવાનું કામ કરે છે જેમાં 100 ગ્રામનું બિસ્કિટ 2.20.000માં વેચીએ છીએ.
પોતાને પણ વધુ પૈસા મળશે એવી લાલચે ગૃહિણીએ પોતાના પિતાને વાત કરી મનાવી લીધા અને આંગડિયા મારફતે ઝરીનાના કહ્યાં પ્રમાણે રૂપિયા મોકલ્યા, બાદમાં અલગ અલગ બહાના કરી ઝરીનાએ 6,15,000 રૂપિયા પડાવી લીધા. બિસ્કિટ આપનાર વ્યક્તિ દુબઇ ગયો હોવાનું જણાવી ઘણા સમય સુધી રાહ જોવડાવી, એક દિવસ અચાનક મંદિર પાસે ગૃહિણીને મળવા બોલાવી અને સોનાના બિસ્કિટ લઇ જવા કહ્યું. ઝરીનાના કહેવા પ્રમાણે ગૃહિણી ત્યાં પહોંચી જ્યાં અગાઉથી જ ઝરીના, તેનો પતિ તથા અન્ય કેટલાક શખ્સો રાહ જોતા હતા. આ દરમિયાન ઝરીનાએ કહ્યું કે વધુ ચાર લાખ આપો તો જ સોનાના બિસ્કિટ આપશે, સોનાના બિસ્કિટ મળી જશે તેવી લાલચે ગૃહિણીએ વધુ ચાર લાખ રોકડા આપી દીધા, બાદમાં ઝરીનાએ કહ્યું કે સોની પાસે લઇ જઇએ જ્યાં સોનાના બિસ્કિટ છે આથી અમારી પાછળ પાછળ આવો પરંતુ થોડી જ વારમાં ઝરીના પોતાના પતિ સાથે ગુમ થઇ ગઇ અને હવે તેનો ફોન પણ સ્વિચ ઓફ આવવા લાગ્યો. અંતે ગૃહિણીએ પોલીસ સ્ટેશનમાં ઝરીના અને તેના પતિ સહિત 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.