Mysamachar.in-કચ્છઃ
રાતના અંધારામાં બદનામ ગલીઓમાં શરૂ થાય છે દેહવિક્રયનો ધંધો, રેડ લાઇટ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ગરીબી અને રોજગારી શોધમાં આવતી મહિલાઓને કેટલાક નરાધમો દ્વારા દેહ વેચવા મજબૂર કરી દેવામાં આવે છે. એક તરફ સભ્ય સમાજ આ મહિલાઓ વિશે વાત કરવામાં પણ શરમ અનુભવે છે, તો બીજી બાજુ કચ્છના ત્રિવેણીબેન આચાર્ય વર્ષોથી આ દલદલમાં ફસાયેલી મહિલાઓ-યુવતીઓને છોડાવવાનું સરાહનીય કામ કરી રહ્યાં છે. ત્રિવેણીબેન આચાર્યએ છેલ્લા 15 વર્ષમાં દેહ વ્યાપારના દલદલમાંથી 6 હજાર મહિલાઓને બહાર કાઢી નવજીવન આપ્યું છે. આ સેવાકીય કામગીરી બદલ ત્રિવેણીબેનને અનેક એવોર્ડ પણ મળ્યા છે.
મૂળ રાપર તાલુકાના માખેલ ગામના કરશન ભકત (મઢવી)ના પુત્રી ત્રિવેણીબેન આચાર્યએ 1993થી રેસ્ક્યૂ નામની સંસ્થા ચલાવી રહ્યાં છે. ત્રિવેણીબેન દિલ્હી, મુંબઇ જેવા શહેરમાં રેડ લાઇટ એરિયામાંથી મહિલાઓને છોડાવે છે અને પોતાની સંસ્થામાં આસરો આપે છે. અહીં તેમના લગ્ન કરાવવાથી લઇને રોજગારી પૂરી પાડવામાં આવે છે. મુંબઇ, બોઇસર, પૂના અને દિલ્હીમાં આવી મહિલાઓ માટે પુન:વસન સેન્ટર ચલાવવામાં આવી રહ્યાં છે. જેમાં હાલ 600 જેટલી દિકરીઓની જવાબદારી રેસ્ક્યુ ફાઉન્ડેશન સંસ્થા નિભાવી રહી છે. આવા દલદલમાંથી છૂટવા માંગતી દિકરી પોતાના ઘરે જવા માંગતી હોય તો તેમને ઘર સુધી મુકવાની વ્યવસ્થા કરવામાં આવે છે. અને જો પરિવાર દિકરીને લેવાની ના કહે તો સંસ્થા તેની સંપૂર્ણ જવાબદારી સંભાળે છે.
બદનામ ગલીઓમાંથી મહિલાઓને બચાવતા હોવાથી ત્રિવેણીબહેન કુખ્યાત શખ્સોની અનેક વખત ધમકીઓ મળતી હતી. છતાં આ કચ્છી મહિલાએ જીવની ચિંતા કર્યા વગર પોતાની કામગીરી સતત ચાલુ રાખી છે. ત્રિવેણીબહેને 15 વર્ષ મુંબઇમાં ક્રાઇમ રિપોર્ટર તરીકે કામ કર્યું છે. માસ્ટર ઓફ જર્નાલિઝમની ડીગ્રી હાંસલ કરી પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. ત્રિવેણીબહેના પતિ બાલ કૃષ્ણ આચાર્ય સેનામાં હતાં. ત્યારબાદ તેઓ આ બદનામ ગલીઓમાં ફસાયેલી મહિલાનોને છોડાવવાના કાર્યમાં લાગી ગયાં હતાં. પરંતુ વર્ષ 2005માં બાલ કૃષ્ણ આચાર્યનું એક કાર અકસ્માતમાં શંકાસ્પદ અવસાન થઇ ગયું હતું. જેના પગલે હવે ત્રિવેણીબહેનને 24 કલાક પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે. તથા પોતે સ્વબચાવમાં રિવોલ્વર પણ ધરાવે છે.