Mysamachar.in-કચ્છઃ
કચ્છના રાપર તાલુકાના નવાપરા ગામે એક યુવકની હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. જો કે એનાથી પણ વધારે ચકચાર ત્યારે મચ્યો જ્યારે પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી. ઘટના એવી છે કે રાપર તાલુકાના નવાપરા ગામે 36 વર્ષિય દિનેશ હવશી નામના યુવકની હત્યા કરવામાં આવી, મૃતક દિનેશ શાકભાજીનો ધંધો કરતો હતો, આ દરમિયાન તેનો સંપર્ક મમતા સાથે થયો. બંને વચ્ચે સંપર્ક વધતા પ્રેમ પાંગર્યો અને બાદમાં બંનેએ દોઢ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. છેલ્લા દોઢ મહિનાથી મમતા પોતાના માતા-પિતાના ઘરે રહેતી હતી. જો કે મંગળવારે મમતાએ પતિ દિનેશને મળવા માટે ફોન કરી ઘરે આવવા કહ્યું. ઘરે પહોંચતાની સાથે જ મમતા અને તેના માતા-પિતા અને ભાઇએ દિનેશ પર હુમલો કરી માથાના ભાગે બોથડ પદાર્થનો ઘા મારી હત્યા નીપજાવી દીધી. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને મમતા તેની માતા-પિતા અને ભાઇ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.