Mysamachar.in-કચ્છઃ
હાલ રાજ્યને રોગચાળાએ ભરડામાં લીધું છે. ડબલ ઋતુને કારણે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ ગઇ છે. આ રોગચાળાના ભરડામાં કલાકારો પણ સપડાઇ રહ્યાં છે. ગુજરાતની જાણીતી ગાયિકા ગીતા રબારીનો ડેંગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે ચર્ચા જાગી છે. સામાન્ય તાવની ફરિયાદ બાદ ગીતા રબારીને ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં તેમના બ્લડ રિપોર્ટમાં ડેંગ્યુ થયાનું બહાર આવ્યું છે. ગીતા રબારીની સારવાર કરતાં ડોક્ટરોએ જણાવ્યું કે બે દિવસ પહેલા ગીતા રબારી તાવ થતા સારવાર અર્થે આવ્યા હતા, ત્યારબાદ રૂટીન પ્રમાણે તેમના રિપોર્ટ કરવામાં આવ્યા હતા, જો કે તેમના બ્લડમાં ડેંગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. હાલ તેમની તબિયત સારી છે, જો કે તેમને રિકવર થવામાં એક અઠવાડિયાનો સમય લાગી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં ડેંગ્યુના અનેક કેસો સામે આવી રહ્યાં છે, તો ડેંગ્યુના કહેરમાં ખુદ કચ્છ સિવિલ હોસ્પિટલના સર્જન અને સાત જેટલા તબીબો પણ સપડાયા છે.