Mysamachar.in-સુરત
GSTના કાયદાને જાણે GST વિભાગના અમુક અધિકારીઓ અને કર્મચારીઓએ રોકડી કરવાનું સાધન બનાવી લીધું હોય તેમ રાજ્યના અલગ અલગ શહેરોમાં GST ના અલગ અલગ કામો માટે અરજદારો પાસેથી રોકડી કરતા હોવાની તાજેતરમાં જ બીજી ટ્રેપ થઇ છે, સુરતના અડાજણ ખાતે ટીજીબી હોટલની સામે એલ પી સવાણી રોડ પર સ્થિત વુડ સ્કેવરના 313માં આજે ACBની ઝાપટે GSTના અધિકારી સહિત 4 લોકો લાંચ લેવાના ગુનામાં ઝડપાયા છે. બંધ GST નંબર ફરી ચાલુ કરવા માટે નાયબ રાજ્ય વેરા કમિશનરે રૂ 2 લાખની લાંચ માગી હતી. જેમાંથી તેના મળતીયા રૂ. 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. જેમાં અધિકારી સહિત ચારેયને ડિટેઈન કરાયા હતા.
આ કેસમાં ફરીયાદી ભાગીદારી પેઢી ધરાવે છે અને તેઓની પેઢીએ વર્ષ 2015-2016ના GST રીટર્ન ભરેલા ન હોવાથી, GST વિભાગ દ્વારા GST નંબર બંધ કરી દેવામાં આવેલો હતો. જેથી ફરીયાદીએ તેમની પેઢીનો GST નંબર ચાલુ કરાવવા GST વિભાગના નાયબ રાજ્ય વેરા કમિશનરનો સંપર્ક કર્યો હતો. તેમણે ફરિયાદ કરનાર ફરિયાદીને તેમના ઓળખીતા વકીલ અને ટેક્ષ કન્સલટન્ટનું કામ કરતા વ્યક્તિને તેમનું નામ આપી ફાઇલ તૈયાર કરવા જણાવેલું અને તેમની પેઢીનો GST નંબર ચાલુ કરાવવા લાંચ પેટે રૂપિયા 2 લાખની માંગણી કરેલી હતી.
જેથી GST નંબર ચાલુ કરાવવા તેમણે ઓફિસમાં કામ કરતા વ્યક્તિનો સંપર્ક કરતા તેણે ફરીયાદીની ફાઇલ તૈયાર કરી, GST વિભાગમાં સબમીટ કરાવેલી. ત્યારબાદ, ફરીયાદીએ આરોપી તેને રૂ. 50 હજાર આપી નાયબ રાજ્ય વેરા કમિશનરને તેમની ઓફિસમાં મળી બાકીની લાંચની રકમ રૂ. દોઢ લાખમાંથી ઓછું કરવાનું કહેતા તેઓ છેલ્લે રૂ. 1 લાખ નક્કી કરી તે રકમ વકીલને આપવાનું કહી જેટલું બને તેટલુ ઝડપથી કિશોરભાઇને પેમેન્ટ જમા કરાવજો તો તેઓ GST નંબર ચાલુ કરી દેશે તેવું જણાવેલ હતું.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ ACBનો સંપર્ક કરી ફરીયાદ આપેલી હતી. જે ફરીયાદીની ફરીયાદના આધારે ગતરોજ લાંચના છટકાનું આયોજન કરતા કિશોર પટેલે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, રૂ. એક લાખની લાંચની માંગણી કરી, સ્વીકારી, લાંચની રકમ લીધા બાદ GST ઓફિસમાં કામ કરતા ધર્મેશ ગોસ્વામી અને વિનય પટેલને આપી તેમજ લાંચની રકમ મળી ગયા બાબતે વકીલના મોબાઇલ ફોનથી નરસિંહ પાંડોર સાથે ફરીયાદીએ હેતુલક્ષી વાતચીત કરી તમામ આરોપીઓએ એકબીજાની મદદગારીમાં ગુનો કરેલો છે. કિશોર પટેલ, ધર્મેશ ગોસ્વામી અને વિનય પટેલ સ્થળ ઉપર પકડાઇ ગયેલા છે અને નરસિંહ પાંડોરને તેમની કચેરીમાંથી ACBની ટીમ દ્વારા લાંચના છટકાની તપાસના કામે ACB કચેરીમાં લાવી ડિટેઇન કરવામાં આવેલા છે.