Mysamachar.in-સુરત
પ્યાર કે લીએ કુછ ભી કરેંગા જેવી એક કહાની સુરતમાં સામે આવી જ્યાં પોતાના બોયફ્રેન્ડને 3 લાખનું દેવુ થતાં અમરોલીમાં રહેતી ગર્લફ્રેન્ડે 12 તોલાના સોનાના દાગીનાની 3 મહિના પહેલા ઘરમાંથી ચોરી કરી બોય ફ્રેન્ડને આપ્યાં હતા. બોયફ્રેન્ડે આ દાગીના ફાઇનાન્સમાં મુકી 3.50 લાખની લોન લઇ અને બાકીના દાગીના વેચી માર્યા હતા. પરિવારે ઘરેણાં બાબતે યુવતીને પૂછપરછ કરતાં તેણીએ આ દાગીના બોયફ્રેન્ડને આપ્યાં હોવાની વાત કરી હતી.
આ બાબતે અમરોલી પોલીસમાં ખુદ યુવતીએ અરજી કરી હતી. જેમાં યુવતીએ લખ્યું કે ‘મે મારા ઘરેથી દાગીના લઈ મારા બોયફ્રેન્ડને આપ્યા છે’ પોલીસે અરજીની તપાસ કરતા બોયફ્રેન્ડે દાગીના મહિનામાં આપવાનો વાયદો કર્યો હતો. વાયદા મુજબ ન આપતા અમરોલી પોલીસમાં દીકરીના પિતા કમલેશે ફરિયાદ કરી હતી. જેથી પોલીસે દીકરી ધુતી અને બોયફ્રેન્ડ વિશાલ સામે ચોરીનો ગુનો નોંધ્યો છે. પોલીસે વિશાલને પકડી અમુક ઘરેણાં કબજે કરી લીધા છે. યુવતીની વિશાલ બારીયા સાથે ગાઢ મિત્રતા હતી. જેના કારણે યુવકે યુવતીને ઘરમાંથી ઘરેણાં લઈ આવવા કહ્યું હતું.