Mysamachar.in-સુરત
સુરતના કાપોદ્રાના નાના વરાછામાં કાર મેળામાં લાખોની ઠગાઈ થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. નાના વરાછા વિસ્તારમાં કાર મેળાનું આયોજન કરાયુ હતું. મિતુલભાઈ વેકરીખા કારની લે-વેચનો વ્યવસાય કરે છે. તેમણે 1 ઓગસ્ટના રોજ નાના વરાછાના ઢાળ પાસે બિઝનેસ શરૂ કર્યો હતો. 11 ઓગસ્ટના રોજ તેમના કાર મેળામાં બે શખ્સ આવ્યા હતા. બંને શખ્સો બારડોલીથી આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે હ્યુન્ડાઈ કંપનીની આઈ-20 ફોરવ્હીલર ગાડી લેવાની છે તેવુ કહ્યું હતું. તેથી મિતુલભાઈ બંને શખ્સોને કાર બતાવવા ટેસ્ટ ડ્રાઈવ માટે લઈ ગયા હતા.
ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન સરથાણા જકાતનાકા પ્રાણી સંગ્રહાલય પર ગાડી પહોંચી હતી, ત્યારે બંને શખ્સોએ માવા ખાવાના બહાને ગાડી ઉભી રાખી હતી. બંને શખ્સોએ મિતુલભાઈને માવો લઈ આવવા કહ્યું હતું. પણ તેમણે ના પાડતા બંને ઉશ્કેરાયા હતા. બને શખ્સોએ ઉશ્કેરાઈને ગાળાગાળી કરી હતી. તેઓએ મિતુલને કહ્યું હતું કે, ‘અહીયા છાનો માનો ઉતરી જા નહી તો રસ્તામાં ફેકી દેઈશું.’ બંને શખ્સો આટલેથી અટક્યા ન હતા. બંનેએ મિતુલભાઈને ગાડીથી નીચે ઉતાર્યા હતા અને ગાડી લઈને ફરાર થઈ ગયા હતા. ત્યારે આ ઘટના અંગે મિતુલભાઈએ સુરત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જેમાં અજાણ્યા શખ્સો સામે 4,65,000ની કિંમતની હુન્ડાઈ કંપનીની આઈ-20 ગાડીની ચોરીની ફરિયાદ નોંધાવી છે.