Mysamachar.in-સુરત
જમીનમાંથી દટાયેલ સોનુ કાઢી આપવાને નામે રાજ્યના કેટલાય જિલ્લાઓમાં અગાઉ છેતરપીંડીના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે, છતાં પણ લોકો તેમાંથી સબક મેળવવાને બદલે ભૂલ પર ભૂલ કરે છે અને બાદમાં પસ્તાવાનો વારો આવો છે, આવી જ વધુ એક ઘટના સુરતના કાપોદ્રામાં સામે આવી છે, જ્યાં નીલકંઠ સોસાયટીમાં ઘી વેચવા માટે આવેલી બે મહિલાઓએ સોનાનાં બિસ્ટીકના નામે 250 ગ્રામનાં પીત્તળનાં બિસ્કીટ પધરાવી 4.20 લાખની ઠગાઈ કરી હતી. બે વર્ષથી સોસાયટીમાં ઘી વેચવા આવતી બે મહિલાઓએ એક ઓગસ્ટના રોજ હંસાબેન માંગુકિયાને કહ્યું હતું કે, ઝુપડાંની બાજુમાં ખાડો ખોદતી વખતે તેમને માટીના ઘડામાંથી સોનાનાં ઘણા બિસ્કીટો મળ્યા છે. જે તેઓ સસ્તા ભાવે આપી શકે છે. હંસાબેનને વિશ્વાસમાં લેવા માટે તેઓ સોની પાસે ખરાઈ કરાવવા માટે એક બિસ્કીટ પણ આપી ગયા હતા.
હંસાબેને બિસ્કીટ સોની પાસે ચેક કરાવતા બિસ્કીટ સોનાનો હોવાથી તેઓ વિશ્વાસમાં આવી ગયા હતા. બીજી વખત જ્યારે 4થી ઓગસ્ટે મહિલાઓ આવી ત્યારે તેઓએ કહ્યું કે, તમારે બિસ્કિટ લેવી હોય તો હું 250 ગ્રામનાં બિસ્કીટ ફક્ત 4.20 લાખમાં આપી દઇશ. જેથી હંસાબેને મહિલાઓને રૂપિયા આપી દીધા હતા. ત્યારબાદ હંસાબેને ખરાઈ કરાવતા તે પિત્તળનાં બિસ્કીટ નીકળ્યા હતા. આ અંગે હંસાબેને કાપોદ્રા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જો કે જે મહિલાઓ આ રીતે ઠગાઈ કરી અને પલાયન થઇ ચુકી છે તે સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા પોલીસે તે દિશા તરફ ધ્યાન કેન્દ્રિત કરી તપાસ હાથ ધરી છે.