Mysamachar.in-સુરત:
રાજ્યમાં કોરોના વાયરસના કેસ ઘટી ગયા છે. પરંતુ, રાજ્યની બાહર આવ-જા કરનારા પાસે કોવિડનો રીપોર્ટની માગ કરવામાં આવી રહી છે. પરંતુ, સુરત શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સુરત મહાનગર પાલિકાના મેડિકલ ઓફિસરે ટેસ્ટ કર્યા વગર રીપોર્ટ આપવાના પૈસા માગ્યા હતા. પણ એસીબીના છટકામાં સરકારી બાબુ રંગેહાથ ઝડપાઈ જતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ કેસમાં ફરિયાદીને કોવિડના રેપીડ એન્ટીજન રીપોર્ટની જરૂર હોવાથી તેઓ આ મેડિકલ ઓફિસર દિપકભાઇ વિનોદભાઇ ગઢીયા (વર્ગ 2 અધિકારી) પાસે ગયા હતા. જેણે શરૂઆતમાં પોઝિટિવનો રીપોર્ટ આપવાના રૂ.6000ની માગ કરી હતી. ફરિયાદી પાસેથી આધારકાર્ડની વિગત પણ માગવામાં આવી. જે વિગત તેણે દિપકભાઈને વોટ્સએપ પર મોકલી દીધી હતી. ત્યાર બાદ ફરિયાદી દિપકભાઈને મળતા રૂ.2500 લીધા અને બાકીની રકમ રીપોર્ટ લેતી વખતે આપવા કહ્યું. આ અંગે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી સમગ્ર વિગત જણાવી. એસીબીએ ફરિયાદની વાતને આધારે છટકું ગોઠવ્યું. જેમાં સુરત સ્મીમેર હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે ટેસ્ટ કર્યા વગરનો રીપોર્ટ દેવા જતા મેડીકલ ઓફીસર દિપકભાઈ રંગેહાથ એસીબીના હાથે ઝડપાયા હતા. એસીબી સુરતે એની સામે કાયદેસરની કાર્યવાહી કરી પગલાં લીધા છે.