Mysamachar.in-સુરત
ટેકનોલૉજીના જેટલા લાભ છે એટલા જ ગેરલાભ છે. ખાસ કરીને સાયબર ફ્રોડએ બેન્કિંગ ક્ષેત્ર માટે દિવસે ને દિવસે મુસીબત બનતો જાય છે, કોલકાતા-દિલ્હી-બેંગલોર સહિતના શહેરોમાં ATM બ્લેક બોક્સ એટેક કરીને લાખો રૂપિયાની ઠગાઈ કરનારી ગેંગના બે સભ્યોને સુરત પોલીસે ગોપીપુરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. આ ટોળકી ATMમાં બ્લેક બોક્સ લગાવી સર્વર અને ATMનું કનેક્શન બ્રેક કરતા હતા અને મશીનમાંથી રૂપિયા ઉપાડી લેતા હતા.
ગત 14 મેના રોજ કોલકાતામાં બોવ બજારમાં આઈસીઆઈસીઆઈ બેંકમાં એક જ ATMથી ATM બ્લેક બોક્સ એટેક દ્વારા સાઇબર ફ્રોડ કરીને અલગ-અલગ ATM કાર્ડથી 25 લાખ ઉપાડીને છેતરપિંડી કરી હતી. આરોપીઓ સુરત હોવાની ખબર પડતાં કોલકાતા પોલીસ સુરત આવી હતી. દરમિયાન એસઓજીના ઇમ્તિયાઝ ફકરૂમોહમ્મદને માહિતી મળી કે કોલકાતામાં ફ્રોડ કરનારા ગોપીપુરામાં છે. એસઓજીએ નવીન લાલચંદ ગુપ્તા અને મનોજરાજપાલ ગુપ્તા (ફતેપુર,બૈરી અસોલા,નવી દિલ્હી) ને ઝડપી પાડ્યા છે.
આરોપીઓએ કબૂલાત કરી છે કે કોલકાતા ઉપરાંત દિલ્હી, બેંગલોર, યુપી અને રાજસ્થાનમાં પણ આ રીતે ATM ફ્રોડ કર્યું છે. કોલકાતા પોલીસની એક ટીમ બંને આરોપીઓને કોલકાતા લઇ જશે. આરોપીઓ પાસેથી માહિતી મળી કે અન્ય આરોપીઓ દિલ્હી છે તેથી બે ટીમો દિલ્હી રવાના થઈ છે. સુરત ઉપરાંત રાજસ્થાન-પંજાબ-દિલ્હીમાં પણ આ ટોળકીના 10 ઝડપાયા છે. બંને આરોપીઓ પખવાડિયા પહેલા સુરત આવ્યા હતા. અહીં પીપલોદમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા હતા. ATM બ્લેક બોક્સ ડિવાઈસ હાલમાં ઉઝબેકિસ્તાનમાં જ મળે છે. આરોપીઓની ટોળકી ઉઝબેકિસ્તાનથી આ ડિવાઈસ મંગાવ્યું હતું. આ પ્રકારના ડિવાઈસના મદદથી ફ્રોડ કરવાની ઘટનાઓ 2017-18 અમેરિકામાં બહુ બની હતી. ખરેખર ત્યારથી જ આ રીતે ફ્રોડ થવાની શરૂઆત થઈ હતી.
-બ્લેક બોક્સ છે શું.?
બ્લેક બોક્સ એક ડીવાઈસ છે,જે ATM મશીનને બેંક સર્વર સાથે જોડાણ કરતા કેબલમાં વચ્ચે જોડવામાં આવે છે. તેથી ATM મશીનમાં થયેલી ટ્રાન્જેક્શનની માહિતી બેંક સર્વર સુધી જતી નથી. જે કાર્ડનો ઉપયોગ કર્યો છે તે કાર્ડ ધારકના એકાઉન્ટમાંથી પણ બેલેન્સ માઈનસ થતું નથી.