Mysamachar.in-સુરત
કેટલીક વાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે, જે વિચાર માંગી લેતી હોય છે… સુરતના સરથાણામાં એક વેપારીના ખાતામાંથી ધડાધડ 13 કરોડના ટ્રાન્ઝેક્શન થઇ જતા વેપારી પણ વિચારમાં પડી ગયો હતો, આ ટ્રાન્ઝેક્શન કરનાર બીજું કોઈ નહી પરંતુ બેંક કર્મચારી, ચા વાળો અને અન્ય એક વ્યક્તિની મિલીભગતથી થયું છે. વાત કઈક એવી છે કે કામરેજમાં રહેતા રિતેશ કાપડિયા નાના વરાછા ખાતે વીયા એન્ટરપ્રાઇઝના નામથી રેતી કપચીનો વેપાર કરે છે. રિતેશભાઇની ઓફિસ પાસે જ મુકેશ ધાડિયા ચાની લારી ચલાવે છે. રિતેશભાઇ મુકેશને ત્યાં ચા પીવા જતા હોવાથી બંને વચ્ચે એળખાણ થઇ હતી. 28 જુલાઇ 2020ના દિવસે મુકેશ એ.યુ.સ્મોલ ફાઇનાન્સ બેંકના કર્મી ભાવેશ પેટીગરાને રિતેશભાઇ પાસે લઇને આવ્યો હતો. ભાવેશને બેંકમાંથી ખાતાનું ટાર્ગેટ અપાયાનું કહીને મુકેશે રિતેશ પાસે સેવિંગ ખાતું ખોલાવ્યું હતું.
ખાતુ ખોલાવ્યા બાદ રિતેશે તેમાં કોઇ વ્યવહાર કર્યા ન હતા. માર્ચ 2021માં એ.યુ.ફાઇનાન્સમાંથી રિતેશભાઇને ખાતુ બંધ કરવા માટે ફોન આવ્યો હતો. ખાતુ બંધ કર્યા બાદ રિતેશભાઇ પાસે બેંકમાંથી આવેલા બે કર્મીઓએ તેમના ખાતામાં 27 લાખની એન્ટ્રી બાબતે પૂછયું હતું. રિતેશભાઇએ તપાસ કરતાં તેમના પાન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને રોયલ એન્ટરપ્રાઈઝના નામથી કરંટ એકાઉન્ટ ખોલી તેમાં 13 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન કર્યું હતુ.
આ ખાતામાં તેમના ફોનની જગ્યાએ અન્ય નંબર હોવાથી બેંક વ્યવહાર વિશે રિતેશને ખબર પડી ન હતી. રિતેશ કાપડિયાના નામે આ ખાતુ બેંકકર્મી ભાવેશ પેટીગરાએ ખોલાવ્યું છે. જેમાં એમ.જે. ટ્રેડર્સના જાહીદ અનવર શેખ અને ચાવાળા મુકેશ ધાડિયાએ મદદ કરી હતી. રિતેશના નામે ટ્રાન્જેક્શન કરીને ઇન્કમટેક્સની જવાબદારી તેના પર નાખી છેતરપિંડી કરી છે. આ કિસ્સામાં ભાવેશ સિવાય અન્ય બેંકકર્મીની સંડોવણી પણ તપાસ કરાઇ રહી છે. આરોપીઓએ રોયલ એન્ટરપ્રાઈઝના નામથી ખાતું ખોલાવ્યું હતું. તે માટે રોયલ એન્ટરપ્રાઈઝના નામથી બોગસ ઉદ્યોગ આધાર સર્ટીફ્કેટ અને વેઇટ મેનેજમેન્ટ સર્ટિફિકેટ બનાવીને બેંકમાં રજુ કર્યા હતા.