Mysamachar.in-સુરત
નામચીન ગેંગને ઝડપવા માટે ગયેલ પોલીસ પર ગેન્ગના શખ્સોએ પોલીસ પાર્ટી પાર કાર ચઢાવી દેવાની કોશીસનો મામલો સામે આવ્યો છે, ઘરફોડ ચોરી અને વાહનચોરીમાં સંડોવાયેલા કુખ્યાત ચીકલીગરના સાગરિતો સણીયા કણદે ગામમાં ખેતરોમાં આવેલા ફાર્મહાઉસમાં લૂંટના ઈરાદે ઘાતક હથિયારો લઈ ફરી રહ્યા હોવાની ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફને બાતમી મળી હતી. જેના આધારે સ્ટાફના માણસો આ ગામ નજીક રોડ પર વોચમાં ગોઠવાય ગયા હતા. દરમિયાન રસ્તામાં બોલેરો પીકઅપવાનને સ્ટાફે અટકાવી હતી. અને પકડવા જતા પોલીસ પર કાર ચઢાવી મારી નાંખવાની કોશિશ કરી હતી.
સુરત અને સુરતના આજુબાજુ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચીકલીગર ગેંગ સક્રિય હતી. તેવામાં સુરતના છેવાડા વિસ્તારમાં ચોરી કરતી હતી, જે બાદ આ ગેંગ અંગે મળેલ માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) ની ટિમ વોચ ગોઠવી હતી ત્યારે એક ચીકલીગર ગેંગ ચોરી કરેલી પીકઅપ વાન લઈને આવતા પોલીસે રોકી હતી. ત્યારે પિકપ વાન ચાલકે રીવર્સ લઈ ભાગવાની કોશિશ કરી. જેમાં પોલીસની એક ર્સ્કોપિયોને ટક્કર મારી હતી. બાદમાં ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ પર ગાડી ચઢવાની કોશિશ કરી હતી. એટલું જ નહિ ડીસીબીના પીએસઆઈ અને પોલીસકર્મીને કાર ચઢાવી ઉડાવી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે સદનસીબે પીએસઆઈ અને પોલીસકર્મીનો ચમત્કારિક બચાવ થયો હતો આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ અને ચીકલીગર ગેંગ વચ્ચે 15, 20 મિનિટ આ ફિલ્મી દ્વશ્યો સર્જાયા બાદમાં પોલીસે મથામણ કરી આ ટોળકીના 5 ઇસમોને ઝડપી પાડ્યા હતા.
-ઝડપાયેલ ગેંગ પાસેથી શું શું મળ્યું..
અજયસીંગ ઉર્ફે મામુ ભુરાસીંગ ચીકલીગર, આઝાદસીંગ ઉર્ફે ધનરી ચીકલીગર, અમૃતસીંગ ઉર્ફે અન્ના ચીકલીગર, રોહીતસીંગ રાજુસીંગ ચીકલીગર, હરજીતસીંગ અજીતસીંગ ચીકલીગર સહિતની આ ટોળકી પાસેથી મરચાની ભૂકીના પડીકા, છરા, ટોર્ચ, કાતરનું પાનું, મેન્ટલના પથ્થરો, લોખંડ અને સ્ટીલના સ્પેરપાર્ટસ તેમજ બોલેરો ગાડી મળી 2.70 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. ક્રાઇમબ્રાંચે જાતે ફરિયાદી બની ટોળકી સામે હત્યાની કોશિશ અને લૂંટ-ઘાડ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. અને 5 રીઢાચોરોને પકડી પાડી ધરપકડની વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે ટોળકી જે વિસ્તારમાં ચોરી કરવાના હોય તે વિસ્તારના આજુબાજુથી જ કોઈ ફોર વ્હીલ ગાડી ચોરી કરીને તેમાં ધાડ પાડવા જતા હતા અને જો કોઈ પોલીસ આવે કે કોઈ ધરનો વ્યક્તિ ધાડ વખતે સામનો કરે તો તેમના ઉપર હુમલો કરતા પણ અચકાતા નહોતા.