Mysamachar.in-સુરત:
લોકો ક્યારેક એવા કાંડ કરે છે, જેનો ભેદ ઉકેલાય ત્યારે પોલીસ પણ વિચારતી થઈ જતી હોય છે, અને આવા અમુક શાતીર લોકોને એવું પણ હોય છે કે પોલીસ ક્યાં તેના સુધી પહોચી શકશે પણ આવું હોતું નથી અને પોલીસ તેના સુધી કોઈને કોઈ કડીથી પહોચી જ જાય છે અને સમગ્ર ગુન્હાનો ભેદ ઉકેલાઈ જાય છે, આવી જ એક ઘટના સુરતમાં સામે આવી જ્યાં પોલીસે અડધા કરોડથી વધુનો વીમો પકવવા શખ્સે કરેલ કાંડને ઉઘાડું પાડી દીધું છે,
વાત કઈક એવી છે કે કામરેજનાં ઘલાગામ નજીક 13 એપ્રિલે એક કાર સળગેલી હાલતમાં મળી આવી હતી. જેમાં એક સળગેલો મૃતદેહ પણ હતો. આ ઘટનામાં કામરેજ પોલીસે ગુનો નોંધ્યો હતો. જેની તપાસ જિલ્લા એસઓજીને સોંપવામાં આવી હતી. એસઓજીએ બાતમી આધારે કાર માલિકને ઝડપી પાડી હત્યાના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ બાતમીના આધારે ગાડી નં. GJ-5-RC-7729 ના માલિક પુણા ખાતે રહેતા હીરા દલાલ વિશાલ લક્ષમણભાઇ ગજેરાને વેલંજા રંગોળી ચોકડીથી ઝડપી પાડી પૂછપરછ કરતાં સામે આવ્યું કે વિશાલને શેરબજારમાં દેવુ થઈ ગયું હતું.
ઉપરાંત હોમલોનના 37 લાખ તેમજ ગાડીની લોન 17 લાખ તથા અન્ય લોન સહિત 58 લાખનું દેવુ હતુ, જેને ભરપાઈ કરવામાં મુશ્કેલી થઇ રહી હતી. વિશાલ પોતાનો 60 લાખનો વીમો તેમજ અન્ય 4 લાખનો વીમો પકવવાની ફિરાકમાં હતો. ગત 10 તારીખથી પોતાના ઘરેથી ગાડી લઈ ગુમ થઈ ગયો હતો. વિશાલે અંકલેશ્વરથી એક અજાણ્યા ઇસમને પોતાની કારમાં અપહરણ કરી કામરેજના ઘલા ગામે લઇ આવ્યો હતો.વિશાલ ઘલા કરજણ માર્ગ પર આવેલા પુલિયા પાસે કારને ખેતરમાં ઉતારી અજાણ્યા ઇસમ સાથે જ ગાડીમાં પેટ્રોલ છાંટી કાર સળગાવી જઇ ભાગી છૂટ્યો હતો. પોલીસને ગુમરાહ કરી પોતાનું જ મોત થયું હોવાનું બહાર પાડી વીમો પકવવાની ફિરાકમાં હોવાનું હીરા દલાલ વિશાલે કબૂલ્યું છે.આમ આ ગુન્હાનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખવામાં સફળતા મળી છે.