Mysamachar.in-સુરત
ક્યારેક એવા અજીબોગરીબ કિસ્સાઓ સામે આવતા હોય છે, જે વિચારતા કરી દે છે અને સવાલ થાય કે શું આટલી જ વાતમાં..? વાત સુરતની થઇ રહી છે, અહી ડિંડોલીના સંતોષીનગર વસાહતમાં 65 વર્ષિય વૃદ્ધાએ જમવાનું ન બનાવતા તેના 45 વર્ષીય પ્રેમીએ ગળુ દબાવી હત્યા કરી નાખી છે. ડિંડોલી નજીક આવેલ સંતોષીનગર વસાહતમાં 45 વર્ષિય રોહિત સીમાંચલ સ્વાઈ તેની 65 વર્ષિય પ્રેમિકા સુલતાના સાથે લીવ ઇનમાં રહેતો હતો. લોકોને એવું જ કહેતો કે સુલતાના તેની પત્ની છે. 13 તારીખે રોહિત સુલતાનાને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યાં કહ્યું કે અચાનક તબિયત બગડી અને હાલમાં જ તેને વેક્સિન લીધી હતી. ડોક્ટરે તપાસ કરતા મૃત જાહેર કરી હતી. પોલીસે અકસ્માત નોંધ કરી હતી.
પોલીસે લાશ જોતા એકથી બે દિવસ જૂની દેખાતી હતી. આંખ પાસે કીડીઓ હતી. તેથી પોલીસે પીએમ કરાવતા તેમાં જણાયું કે, સુલતાનાનું ગળું દબાવી તેની હત્યા કરાઈ છે. પોલીસે સરકાર તરફે રોહિત વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી તેની ધરપકડ કરી છે. આરોપીએ કબુલાત કરી હતી કે કોઈને કોઈ મુદ્દે બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા. 12મી તારીખે રાત્રે સુલતાનાએ જમવાનું ન બનાવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને તેથી સુલતાનાની હત્યા કરીને તેની લાશની બાજુમાં સુઈ ગયો હતો. બીજા દિવસે વેક્સિનવાળી બોગસ સ્ટોરી ઘડી કાઢી હતી. બંને 22 વર્ષથી લિવ ઇનમાં રહેતા હતા.