Mysamachar.in-સુરત
આજના સમયમાં કોઈને નામના મેળવવી હોય તો કોઈ સારુંકાર્ય કરે જેનાથી તેને નામના મળે…પણ સુરતમાં ઉલ્ટી ગંગા જેવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મોટી જેલ જોવા અને મીડિયામાં ચમકવા માટે પાડોશીના પુત્રનું અપહરણ કરનાર શખ્સની કબુલાત પરથી પોલીસ પણ એક સમયે વિચારતી થઇ જવા પામી હતી, સચિન-તલંગપુર રોડ સ્થિત પંચવટી સોસાયટીમાં રહેતા એક પરિવારનો 8 વર્ષનો બાળક ઘરના આંગણામાંથી રમતા રમતા ભેદી સંજોગોમાં ગુમ થયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ ઘટના બાદ સચિન જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી. માસૂમનું અપહરણ થયાનું ધ્યાને આવતા જ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી હતી. અને ફરિયાદીના ઘરની પાસે જ રહેતા યુવકની શંકાસ્પદ હિલચાલ જણાઈ આવતા આ પાડોશી યુવાનની સાથે 8 વર્ષનું બાળક ઓટો રિક્ષામાં નજરે ચઢ્યું. પોલીસે મળેલા સીસીટીવીની દિશામાં તપાસ કરી અને મોબાઈલ લોકેશનના આધારે રેલવે પોલીસની મદદથી ભૂસાવલ રેલવે સ્ટેશન પરથી અપહ્યત બાળકને હેમખેમ છાડ્યો અને સાથે અપહરણકારને પણ દબોચી લઈ સુરત લાવ્યા બાદ…
પોલીસે અપહ્યત બાળકને છોડાવી આરોપીની પૂછપરછ કરી તો ચોંકાવનારું કારણ સામે આવ્યું. સામાન્ય રીતે લોકો આર્થિંક તંગીમાં, મોજશોખ પૂરા કરવા અપહરણ કરતા હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે પણ અહીં તો આ યુવાને એવું કારણ આપ્યું કે તે સાચુ માનવું કે નહીં તે પોલીસ માટે મોટો પ્રશ્નાર્થ બની ગયું. આરોપીએ અપહરણની કબૂલાત કરતા પોલીસને કહ્યું કે તેને મોટી જેલ અંદરથી જોવી હતી! જેલ અંદરથી કેવી હોય છે તે જોવું હતું. સાથે જ તેણે એ પણ કહ્યું કે હું ત્રણ-ચાર વખત લાજપોર જેલ જોવા ગયો પણ તેને ત્યાંથી ભગાડી દેવામાં આવ્યો હતો.
જેલ જોઈ ન્યૂઝ પેપરમાં પ્રસિદ્ધિ મળે તેવું પણ ઈચ્છતો હતો અને એટલે જ અપહરણનો પ્લાન ઘડ્યો હતો. હાલ પોલીસને આરોપીની આ વાત ગળે ઉતરતી નથી. પોલીસ માટે તો એ જ મહત્વની વાત છે કે આ મૂર્ખ કે નાદાનની આવી ભૂલ એક બાળકના જીવ સાથે મોટું જોખમ ઉભું કરી શકતી હતી. એક માસૂમનું અપહરણ કરી જેલ જોવાની ઈચ્છા પૂરી થઇ પણ હવે તેને અપહરણના ગુન્હા સબબ અંદર ખરેખર સબડવાનો વારો આવ્યો છે.