Mysamachar.in-સુરત
આજના સમયમાં દરેક હાથમાં સ્માર્ટફોન જોવા મળે છે, પણ આ સ્માર્ટફોનમાં લોકો ક્યારેક એટલા તલ્લીન થઇ જતા હોય છે કે તેને ભાન રહેતું નથી, સુરતમાં એક વાલીઓ માટે ચોકાવનારી ઘટના સામે આવી છે, જેમાં કોમન પેસેજની બારીની પાળી પર બેસી કિશોરી મોબાઇલ પર ગેમ રમવાના ચક્કરમાં 12માં માળેથી નીચે પટકાતા મોત થયું છે. જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ રાજસ્થાનના ઝાલોદના વતની અને પાલ-ભાઠા રોડ પર બાગબાન સર્કલ પાસે ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા કાપડના વેપારી મુકેશ પુરોહિતની 17 વર્ષીય પુત્રી સોમવારે સાંજે ભાઈ સાથે કોમન પેસેજમાં બેસી મોબાઇલ પર ગેમ રમતી હતી.
દરમિયાન બારીની પાળી પર 17 વર્ષની પુત્રી મોબાઇલમાં ગેમ રમવામાં મશગુલ થતા અચાનક બેલેન્સ ન રહેતા 12માં માળે બારીમાંથી સીધી નીચે પટકાય હતી. લોહીલુહાણ હાલતમાં તેને હોસ્પિટલમાં ખસેડાય હતી. જો કે સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. આ ઘટના સોમવારે સાંજે બની હતી. ઘટના બની ત્યારે પિતા દુકાને હતા અને માતા ખરીદી કરવા ગઈ હતી. ઘરે 6 વર્ષનો ભાઈ અને બે નાની બહેનો હતી. મૃતક ઘો-10 સુધી અભ્યાસ કર્યો હતો.