Mysamachar.in-સુરત
ખંડણી વસુલવા માટે વેપારીના પુત્રનું અપહરણ કરી અને 3 કરોડથી શરુ કરીને 1 કરોડ સુધીની ખંડણી માંગનાર શખ્સોએ વેપારીના પુત્રને છોડી દીધો પણ ખંડણીખોરો પોલીસને હાથ ઝડપાઈ જવા પામ્યા છે, સુરત શહેરના ઘોડદોડ રોડના કરીમાબાદ ખાતે રહેતા વેપારી અનવર દૂધવાલાના પુત્ર કૌમીલ દૂધવાલા (ઉ.વ.32)નું અપહરણ કરવામાં આવ્યા બાદ ગત રોજ મોડી સાંજે છૂટકારો થયો હતો. અપહરણકર્તાઓએ 3 કરોડની ખંડણી પણ માંગી હતી. અપહરણમાં સંકળાયેલા ચાર ઈસમોને બે રિવોલ્વર સાથે ભરૂચ ટોલનાકા પાસેથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
ગુરુવારે રોજની જેમ કૌમિલ બાઇક પર વહેલી સવારે 6.54 કલાકે જિમ જવા માટે નીકળ્યો હતો. ઘરેથી નીકળતાં જ 350 મીટરના અંતરે કૃષ્ણકુંજ સોસાયટીના નાકા પાસે સ્પીડ-બ્રેકર આવતાં બાઇક ધીમી પાડતાં અપહરણકર્તાઓએ બાઇકને ટક્કર મારી દીધી હતી. ત્યાર બાદ કારમાંથી ચાર લોકોએ વેપારીના પુત્રને જબરદસ્તી કારમાં બેસાડી ફરાર થઇ ગયા હતાં. બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. જ્યા પોલીસને પુત્રની બાઇક અને બૂટ પડેલા મળી આવ્યાં હતાં. નજીકના બંગલાઓનું સીસીટીવી ચેક કરતાં એક સફેદ કલરની સ્કોડા કાર દેખાઇ હતી. જોકે કારનો નંબર દેખાતો ન હતો.
એકાદ કલાક પછી અપહરણકર્તાઓએ વેપારીના પુત્રના મોબાઇલથી તેના પિતાને કોલ કરી 3 કરોડની ખંડણી માગી હતી. અપહરણકર્તાઓએ સવારે 8.30 વાગ્યેથી કોલ કરવાના શરૂ કર્યા અને લગભગ ખંડણીના 7 થી 8 કોલ કર્યા હતા. ખંડણીમાં 3 કરોડની માગણી કરી પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી. જોકે અપહરણકર્તાઓ બપોરે 04.30 બાદ કૌમિલને કામરેજ છોડી નાસી ગયા હતા. છુટકારા બાદ કૌમિલે વરાછા આવી રિક્ષાચાલકના મોબાઇલમાંથી પરિવારજનોને જાણ કરી હતી.
વેપારીના પુત્રને અપહરણકર્તાઓએ કારમાં સુરત જિલ્લાના ગામડાંમાં કીમ, માંડવી, કઠોર, તડકેશ્વર જેવા વિસ્તારોમાં ફેરવતા રહ્યા હતા. અપહરણકર્તાઓ પાસે હથિયાર હોવાને કારણે વેપારીનો પુત્ર ડરી ગયો હોઈ જેને કારણે તે કંઈ બોલી શકતો ન હતો.આમ આ સમગ્ર ઘટનામાં પોલીસે ચાર શખ્સોને ઝડપી પાડ્યા બાદ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.