Mysamachar.in-સુરત:
અત્યાર સુધી આપણે ત્યાં સ્પામાં ચાલતા કૂટણખાના વિશે સાંભળ્યું હશે, પણ આજે એક એવો કિસ્સો સામે આવ્યો જેમાં આયુર્વેદ સ્પામાં ચાલતા કૂટણખાનનો પણ પોલીસે પર્દાફાશ કર્યો છે, મળતી માહિતી પ્રમાણે પોલીસ કંટ્રોલરૂમમાંથી મળેલા મેસેજના આધારે પુણા પોલીસે એક ડમી ગ્રાહક સ્પામાં મોકલી ખરાઈ કરી હતી. ત્યારબાદ આઈમાતા ચોક સ્થિત અભિલાષા હાઈટસમાં કુંજન સોનોગ્રાફી સેન્ટરની બાજુમાં આવેલા આયુર્વેદા સ્પામાં છાપો માર્યો હતો. પોલીસને સ્પામાંથી બે મહિલા મળી આવી હતી. તેમની પૂછપરછના આધારે પોલીસે ત્યાં મેનેજર તરીકે નોકરી કરતા સ્મીત સંજયભાઈ પટેલને તેમના આઈમાતા રોડ રાજમંદિર પેલેસ સ્થિત બીજા સ્પા ખાતેથી લાવી પૂછપરછ કરાઈ હતી. સ્પાના મેનેજરની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, સ્પાના સંચાલક કતારગામ ખાતે રહેતું દંપત્તિ સોનલબેન-અજયભાઈ મેઘવાણી છે. તેઓ સ્પામાં મસાજ કરાવવાના બહાને ગ્રાહકને શરીરસુખ માણવા માટે સવલતો પુરી પાડતા હતા. ગ્રાહક પાસેથી 1000 લઈ મહિલાને 500 આપતા હતા. પુણા પોલીસે સ્પામાંથી રોકડા 2340 રૂપિયા, 10 હજારની કિંમતનો મોબાઈલ ફોન કબ્જે કરી મેનેજર સ્મીત પટેલની ધરપકડ કરી હતી અને મેઘવાની દંપત્તિને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.