Mysamachar.in-સુરત
રાજ્યમાં દારૂબંધી વચ્ચે પીનારાઓની સંખ્યા કાઈ ઓછી નથી, એવામાં સુરતના પાંડેસરામાં એક મકાનમાંથી વિદેશી મોઘીદાટ દારૂની બોટલોમાં ડુપ્લિકેટ દારૂ બનાવી વેચતી મહિલાને પાંડેસરા પોલીસે બાતમીને આધારે પકડી પાડી હતી. જયારે તેના સાગરિતને વોન્ટેડ જાહેર કર્યો છે. પાંડેસરા પોલીસે 28મી નવેમ્બરે બપોરે પાંડેસરા ખાતે આવેલી આશાપુરી સોસાયટીનાં એક મકાનમાં રેડ પાડી હતી. રેડ દરમિયાન મકાનમાંથી એક મહિલા ભારતી રાજેશ રાણા મળી આવી હતી.
પોલીસે મકાનમાં તપાસ કરતા રૂપિયા 13895ની કિંમતની અલગ અલગ ડુપ્લિકેટ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. મકાનમાંથી બોટલો પર લાગતા લેબલો તેમજ બુચ મળી આવ્યા હતા. આરોપી રાકેશ રાણા અને ભારતી રાણા બન્ને લોકો મકાનમાં ડુપ્લિકેટ દારૂમાં કેમિકલ ભેળવીને બનાવતા હતા. પછી આ બંને આરોપીઓ ડુપ્લિકેટ દારૂની બોટલો ડબલ ભાવે વેચી દેતા હતા. વધુમાં કેમિકલ ની તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યું છે,જે બાદ વિશેષ વિગતો સામે આવશે.