Mysamachar.in-સુરત
આજના સમયમાં સોશ્યલ મીડિયા જરૂરિયાતનું માધ્યમ ચોક્કસ છે, પણ તેનો દુરુપયોગ દિવસે ને દિવસે વધી રહ્યો છે જે બાબત સમીક્ષા અને ચિંતાજનક પણ કહી શકાય તેવી છે, સુરત શહેરમાં આવાજ એક દુરુપયોગનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી 33 વર્ષીય પરિણીતાના નામે કોઈ ભેજાબાજે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી ફોટા અપલોડ કરી તેના જ સસરાને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી. આ સાથે સ્ટેટસમાં પરિણીતાનો ફોટો મુકી તેના ઉપર અંગ્રેજીમાં આઈ લવ યુ માય જાન લખ્યું હતું. જેની જાણ પરિણતાને થતા કતારગામ પોલીસમાં ફરિયાદ કરતા સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી છે.
વધુ આશ્ચર્યની વાત તો એ છે કે જે મહિલાને નામે ફેક આઈડી બનાવવામાં આવ્યું તે મોબાઈલ ફોનનો ઉપયોગ જ ના કરતી હોવાનું સામે આવ્યું છે, અને હા તેના દ્વારા સોશિયલ મીડિયા ઉપર કોઈ એકાઉન્ટ બનાવ્યું નથી છતાંયે કોઈ શખ્સે તેના નામે ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. જેમાં પરિણીતાના ફોટા મુકવાની સાથે સગાસંબંધીઓને મેસેન્જરમાં ફોટો મોકલી અને મેસેજ કર્યા હતા. હદ તો ત્યારે થઇ ગઈ કે આ ગુન્હો આચરનાર શખ્સે પરિણીતાના સસરાને જ ગત તા 20મી ઓગસ્ટના રોજ ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી ફોટો અપલોડ કર્યા હતા. જેથી પરિણીતાને તેના નામનું ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવામાં આવ્યું હોવાની જાણ થતા તેના પતિએ પોલીસમાં અરજી કરી હતી.
પોલીસમાં અરજી કરવા છતાં બદમાશે ફેક એકાઉન્ટ ચાલુ રાખ્યું હતું. દરમિયાન ગત 24મી નવેમ્બરના રોજ સોશિયલ મીડિયાના એકાઉન્ટ સ્ટેટસમાં પણ તસવીરો મુકી તેના ઉપર અંગ્રેજીમાં આઈ લવ યુ માય જાન લખ્યું હતું. બનાવ અંગે પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.