Mysamachar.in-સુરત
સુરત શહેરના ઉધના વિસ્તારમાં કરિયાણાની દુકાનની આડમાં અફીણનો ધંધો કરતા વેપારીને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસ કરતા 4 કિલો અફીણ મળી આવ્યું હતું. પોલીસે રોકડા 11.80 લાખ સહિત કુલ 16.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉધના ભાઠે હિંગળાજ સોસાયટીમાં રહેતા વેપારી 53 વર્ષીય સ્વરૂપસિંહ હિરસિંહ રાજપૂતએ કરિયાણાની દુકાનની આડમાં છેલ્લા 2 વર્ષથી નશીલા પદાર્થ અફીણનું વેચાણ કરતો હોવાની બાતમી એસઓજીના ટીમને મળી હતી. જેના આધારે સ્ટાફે શનિવારે મોડીરાતે દુકાનમાં રેડ પાડી વેપારી પાસેથી 4 કિલો અફીણ પકડાયું હતું.
પોલીસે 4 કિલો અફીણ રૂ. 4.79 લાખ, અફીણના વેચાણની રકમ 11.80 લાખ, મોબાઇલ સહિત 16.65 લાખનો મુદામાલ કબજે કર્યો છે. વેપારીને અફીણનો જથ્થો રાજસ્થાનથી એક શખ્સ બસમાં સુરત આવી આપી જતો હતો. વેપારી એક ગ્રામ અફીણ 2 હજારમાં વેચતો હતો. મોટેભાગે તેની પાસે અફીણ લેવા માટે રાજસ્થાની આવતા હતા. વેપારી ઓળખીતા અને કાયમના ગ્રાહક હોય તેવાને અફીણ પેકેટ બનાવી આપતો હતો.આમ નશાના વધુ એક રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે.